ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 12 એપ્રિલ 2021.
સોમવાર.
સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેરે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં દોઢ લાખથી વધુ કરોનાના દર્દીઓની સંખ્યા નોંધાઇ છે. જ્યારે બીજી તરફ કોરોના વેક્સિનેશન અભિયાન પણ પુરજોશથી ચાલી રહ્યું છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કોરોનાની રસી લીધા પછી પણ અમુક દર્દીઓમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલ અને એઈમ્સ હોસ્પિટલના અમુક ડોક્ટરો એ કોરોના ના બે ડોઝ લીધા પછી પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર આવ્યા છે. તેથી ફરીથી લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે, વેકસીન લીધા પછી પણ શા માટે કોરોના થાય છે.
પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પુનાવાલા આ સંદર્ભે ઇન્ડિયા ટુડે સાથે થયેલી વાતચીતમાં જણાવે છે કે, "વેક્સિન લીધા પછી રોગપ્રતિકારક શક્તિ વધતા સમય લાગે છે અને આ દરમિયાન કોરોના ની રસી લીધેલી વ્યક્તિ, જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તો તેમને પણ કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે." આ ઉપરાંત તેઓ બીજી અમુક બાબતો પણ વિશેષ ધ્યાન દોરે છે જેમકે,
1, નિયમોનું પાલન ન કરવું: કોરોના ની રસી લઇ લીધા પછી અમુક વ્યક્તિઓ બિન્દાસ રીતે ફરે છે. તેમજ કોરોના નિયમ પાલન અંગે પણ બેદરકારી દાખવે છે. સરકાર તરફથી આપવામાં આવેલા ત્રિસૂત્ર(માસ્ક પહેરવું, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ પાળવું) પ્રત્યે પણ તેઓ બેધ્યાન રહે છે.
2, રસીકરણના નિયમનું પાલન ન કરવું:
દરેક વેક્સિન સેન્ટરમાં ત્યાંના તબીબો અને મેડિકલ કર્મચારીઓ દ્વારા વેકસીન લીધા પહેલા અને વેકસીન લીધા બાદ ના નિયમો અંગે માહિતગાર કરવામાં આવે છે. પરંતુ વેક્સિન લીધા પછી ના નિયમો પ્રત્યે દુર્લક્ષ કેળવવાથી એ વ્યક્તિની કોરોના સંક્રમિત થવાની શક્યતાઓ વધી જાય છે.
3, વેક્સિનના ડોઝ સમયસર ન લેવા: વેક્સિન નો એક ડોઝ લીધા પછી અમુક વ્યક્તિઓ એના બીજા ડોઝ લેવાની બાબત ને ટાળતા હોય છે. તબીબોના જણાવ્યા પ્રમાણે વેક્સિન ના બીજા ડોઝને જો સમયસર ન લેવામાં આવે તો પણ કોરોના થવાની શક્યતા રહે છે.
4, વેક્સિન થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જો કે વેક્સિન કોઈપણ રોગને પૂર્ણપણે નાબૂદ કરવામાં અસરકારક નીવડતી નથી. પરંતુ વેક્સિન લેવાથી મૃત્યુનો ભય ટાળી શકાય છે, આવું વિશેષજ્ઞોનું માનવું છે. માટે જો વેકસીન લીધા પછી પણ કોરોના થાય તો ગભરાવવાની કોઈ જ જરૂર નથી. કારણ વેક્સિન લીધેલી વ્યક્તિને તેમાંથી જલ્દી સાજા થવાની શક્યતાઓ વધી જાય છે.
કોરોના ટેસ્ટિંગ ન થતા, મુંબઈવાસીઓ કોરોના નું રિઝલ્ટ મેળવવા 'અહીં' દોટ મુકી રહ્યા છે…