ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કિશોરવયમાં દેશ માટે જ જીવવાનો નિર્ધાર કરી ચૂકેલા ક્રાંતિકારી ભગતસિંહનો ગઈ કાલે જન્મદિવસ હતો. ભગતસિંહના જુસ્સાએ એ સમયે આખા દેશમાં તેમની ઓળખ બનાવી દીધી હતી. લાહોર ષડ્યંત્ર પછી અંગ્રેજોએ ૨૩ વર્ષના આ યુવાનને ફાંસી પર ચઢાવવાનો નિર્ણય લીધો અને ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ તેમને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ. જેના એક સપ્તાહ બાદ કરાચીમાં કૉન્ગ્રેસનું અધિવેશન થયું હતું. આ અધિવેશનની તારીખ 29 માર્ચ, 1931 નક્કી કરવામાં આવી. એ વખતે કોઈને પણ અંદાજો ન હતો કે 6 દિવસ પહેલાં ભગતસિંહને ફાંસી થશે સાથે રાજગુરુ અને સુખદેવને પણ ફાંસી અપાશે. આ અધિવેશનમાં ગાંધીજી પણ આવ્યા હતા.
દેશને અંદાજો હતો કે ગાંધીજી – ઇર્વિન કરાર અને ભારત સરકાર અને કૉન્ગ્રેસ સરકાર વચ્ચેના કરાર પછી ભગતસિંહ સહિત ત્રણ ક્રાંતિકારીઓને મૃત્યુની સજા નહીં મળે. ગાંધીજી એ સમયે લોકપ્રિયતાની ટોચ પર હતા.
કૉન્ગ્રેસના અધિવેશનમાં આવેલા યુવાનો નિરાશ થઈ ગયા હતા. ઘણા યુવાનોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પણ કર્યો હતો. તેઓ જાણવા માગતા હતા કે કૉન્ગ્રેસના ત્રણેય શહીદોને બચાવવા માટે શું પ્રયત્નો કરાયા છે. તેમ જ યુવકોનું માનવું હતું કે ગાંધીજીએ ખાસ પ્રયત્નો કર્યા ન હતા. એટલું જ નહિ ગાંધીજી ઇર્વિન સાથે કરાર ભંગ કરવાની ધમકી આપત તો અંગ્રેજો ફાંસીને ઉંમરકેદની સજામાં ફેરવી દેત એવું યુવકોનું માનવું હતું.
કુલદીપ નાયરે તેમના પુસ્તક 'ધ માર્ટિર ભગતસિંહ એક્સ્પરિમેન્ટ ઇન રિવૉલ્યુશન'માં લખ્યું છે કે ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીએ કહેલી વાત કહી હતી કે, 'મેં મારી તરફથી શક્ય એટલો દબાવ નાખવાનો પ્રયત્ન કર્યો. મેં વાઇસરૉયને એક ખાનગી પત્ર મોકલ્યો હતો. એમાં મારા હૃદય અને મગજને પૂરી રીતે ઠાલવી દીધું હતું, પરંતુ એ બધું બેકાર ગયું. મેં મારી ભાવનાઓ અને સંવેદનાઓનો ઉપયોગ કરીને જે કંઈ કરવાનું હતું એ કર્યું.
જ્યારે કૉન્ગ્રેસ અધિવેશનમાં નવા અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ ભાષણ આપી રહ્યા હતા ત્યારે મંડપની બહાર ‘ભગતસિંહ અમર રહે, ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવાઈ રહ્યા હતા. એ વખતે ગાંધીજીએ બયાન આપ્યું હતું કે ભગતસિંહ અને તેના સાથીઓને ફાંસી અપાઈ અને તે અમર શહીદ થઈ ગયા. તેમના મૃત્યુથી ઘણા લોકોને નિજી ખોટ વર્તાઈ છે. આ યુવકોની સ્મૃતિને નમન કરું છું, પરંતુ દેશના નવયુવકોને આ વાતની ચેતવણી આપું છું કે તેમના રસ્તા પર ન ચાલે, પોતાની ઊર્જા, શ્રમ અને સાહસ આ રસ્તે ન વાપરે. દેશની સ્વતંત્રતા લોહી વહાવીને ન મેળવવી જોઈએ.