ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
ઓક્સિજનની અછત દેશભરમાં વર્તાઈ રહી છે અને તેને કારણે દેશમાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. હવે આવી જ એક ઘટના ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બની હતી, જ્યાં પ્રાણવાયુના પુરવઠાની અછત સર્જાતાં ગુરુવારે સવારે વધુ ૧૫ કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટને આ સંદર્ભે જણાવ્યું હતું કે ઓક્સિજનનું દબાણ ઘટવાને કારણે અધિકાંશ દર્દીનાં મોત થયાં હતાં.
બોમ્બે હાઈકોર્ટે ગોવામાં કોરોનાની કથળેલી હાલતને જોતાં કેન્દ્રને ટૂંક સમયમાં ક્વોટા મુજબ ઓક્સિજન સપ્લાય કરવાનું કહ્યું છે. ન્યાયાધીશ નીતિન ડબ્લ્યુ. સાબ્રે અને એમ.એસ. સોનકે કહ્યું હતું કે ૧૨ મેનો આદેશ હોવા છતાં ૪૦ જેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હાઈકોર્ટ ઓક્સિજન સપ્લાયના અભાવે દર્દીઓનાં મૃત્યુ સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ કેસની સુનાવણી કરતાંહાઈકોર્ટે રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી કેન્દ્ર સરકારને વહેલી તકે ગોવામાં ઓક્સિજનનો ક્વોટા પૂરો પાડવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે ઓક્સિજનની અછતને કારણે ૨૬ લોકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગોવા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠાને નિયમિત કરવા નિષ્ણાત સમિતિની રચના કરી છે.