ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશ છોડી ભાગી છૂટેલા હીરાના વેપારી નીરવ મોદીની મુંબઈમાં રહેલી મિલકતની લિલામી કરવામાં આવવાની છે. તમામ મિલકતની લગભગ એક હજાર કરોડ રૂપિયાની આસપાસ કિંમત થાય છે. જે મિલકતની લિલામી થવાની છે, તેમાં દક્ષિણ મુંબઈના પ્રખ્યાત કાળા ઘોડામાં આવેલા રિધમ હાઉસનો પણ સમાવેશ થાય છે. સંગીતપ્રેમીઓ માટે રિધમ હાઉસ ખાસ મહત્વ ધરાવે છે.
રિધમ હાઉસ સિવાય મોદીના નેપિયન્સી રોડ પરનો ફ્લેટ, કુર્લાની ઓફિસ બિલ્ડિંગની પણ હરાજીમાં જવાની છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા આ મિલિકતની લિલામી કરીને પૈસા વસૂલ કરવામાં આવવાના છે.
ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઈડી)એ અત્યાર સુધી છ કરોડ રૂપિયાની વસૂલી કરીને આ રકમ પંજાબ નેશનલ બેંકને સોંપી છે. તેની ગાડી, પેઈન્ટિંગ અને અન્ય મોંઘી વસ્તુઓની પણ લિલામી કરીને રકમ વસૂલ કરવામાં આવવાની છે.
નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક પાસેથી 13 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી, તે પાછી નહીં ચૂકવતા તે 2018માં દેશની બહાર ભાગી છૂટયો હતો. હવે ઈડી તબક્કાવાર તેની મિલકત જપ્ત કરીને તેની લિલામી કરી રહી છે અને તે પૈસા બેંકને આપવામાં આવશે.
નીરવ મોદીની 19 માર્ચ 2019માં લંડનથી ધરપકડ કરવામાં આવી હતી. મોદી હાલ લંડનની જેલમાં બંધ છે અને ભારતમાં તેને પાછો લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. નીરવ મોદીના વરલીના સમુદ્ર મહેલમાં ચાર આલીશાન ફ્લેટ, અલિબાગમાં બંગલો, જૈસલમેરમાં પવનચક્કી ઉર્જા પ્રોજેક્ટ વગેરેને ઈડીએ પોતાના તાબામાં લીધુ છે અને હવે વિદેશમાં રહેલી સંપત્તિ પણ તાબામાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
બેંક પાસેથી લીધેલી રકમમાંથી નીરવ મોદીએ આ બધી મિલકતની ખરીદી કરી હતી, જેમાં 2017માં 70 વર્ષ જૂના રીધમ હાઉસને પણ તેણે ખરીદી લીધું હતું. 32 કરોડ રૂપિયા ખર્ચીને તેણે આ મિલકત ખરીદી હતી. અહીં એક પોશ દાગીનાની દુકાન નાખવાની તેની યોજના હતી.