ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
હાલ કોરોના નો બીજો તબક્કો શરૂ થવાને કારણે અનેક લોકો ટેન્શનમાં છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે તે વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ લે જેથી તેમની સમસ્યાનો ઉકેલ આવે. તેમજ તેઓ કોરોના સામે વધુ સુરક્ષિત થઈ જાય. પરંતુ સરકારી કાયદો બહુ સ્પષ્ટ છે જે પ્રમાણે ૪૫ વર્ષથી નીચેના કોઇપણ વ્યક્તિને વેક્સિન નહીં મળી શકે. આ સંદર્ભે વધુ જણાવતાં મેડિકલ કન્સલ્ટન્ટ તેમજ જાણીતા ડોક્ટર આશિષ તિવારીએ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમને કહ્યું કે જે કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટને આધારે અથવા ખોટી બીમારી દેખાડીને આઉટ ઓફ ટર્ન વેક્સિન લઈ રહ્યા છે તેમને પસ્તાવાનો વારો આવશે. આના પ્રમુખ બે કારણ છે. પહેલા કારણ મુજબ જે ડેટા સરકારને આપવામાં આવે છે તેમાં કોઇપણ પ્રકારની ચીટીંગ કરવાથી તે તમારી વિરુદ્ધમાં એક ડોક્યુમેન્ટરી એવિડન્સ છે.આજે વેક્સીન લઈને તમે સુરક્ષિત થઈ શકશો પરંતુ ભવિષ્યમાં જો આ ડેટા ઈન્સ્યોરન્સ કંપનીને મળી ગયો અને જો તેમાં કોઈ ખોટી બીમારી લખેલી હશે તો તે ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ રોકી શકે છે. બીજી તરફ ખોટી રીતે વેક્સિન લેનાર વ્યક્તિને સર્ટીફીકેટ મળતું નથી. જ્યારે સરકાર આ સર્ટિફિકેટ ફરજિયાત બનાવશે ત્યારે તે લોકો માટે સમસ્યા પેદા થશે. પહેલાં તો તેમણે વધુ એક વખત વેક્સિન લેવી પડશે અને તે સમયે તેમને આડઅસર થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમુક લોકો દાવો કરી રહ્યા હતા કે હાઇપર ટેન્શન જેવી બીમારીને દેખાડીને વેક્સિન લઈ શકાય છે. તેમજ જન્મ તારીખ ખોટી લખીને અથવા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને વેક્સિન મેળવી શકાય છે. પરંતુ આવા કોઈ પણ રસ્તે જતાં પસ્તાવું પડશે તે નક્કી છે.
આ સંદર્ભે ડોક્ટર આશિષ તિવારીનું કહેવું છે કે આવનાર દિવસોમાં એટલે કે લગભગ એક મહિના પછી શક્ય છે કે કેન્દ્ર સરકાર 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય લે. આ પરિસ્થિતિમાં લોકોએ એક મહિના સુધી વધુ સાવચેત રહેવાની જરૂર છે.