ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24, સપ્ટેમ્બર 2021
શુક્રવાર.
સામાન્ય રીતે મહાનગરપાલિકા અને પાલિકાઓમાં વિકાસલક્ષી ઠરાવો રજૂ કરવામાં આવતા હોય છે,ત્યારે મહારાષ્ટ્રના કાગલ તાલુકાની એક નગરપાલિકામાં માન્યામાં ન આવે એવો ઠરાવ લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના સામે કૌભાંડના આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયા પર કાગલ તાલુકામાં પ્રવેશ કરવા પર આજીવન પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કાગલ તાલુકાની મુરગૂડ નગરપાલિકાએ કરતા આશ્ચર્ય ફેલાયું છે.
હસન મુશ્રીફ સામે સાકર કારખાનામાં 127 કરોડ રૂપિયાના કોભાંડનો આરોપ કિરીટ સોમૈયાએ કર્યો છે. આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે સોમૈયા કોલ્હાપુર જવાના હતા. તેની સામે ભારે વિરોધ થયો હતો. તો કોલ્હાપુરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોલ્હાપુરના કલેકટરને તેમને કોલ્હાપુરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. આ દરમિયાન કિરીટ સોમૈયાને અધવચ્ચેથી પાછા ફરવું પડયું હતું. મુંબઈ પાછા ફર્યા બાદ કિરીટ સોમૈયાએ 28 સપ્ટેમ્બરના તેઓ ફરી કોલ્હાપુર જશે એવી જાહેરાત કરી છે.
સોમૈયાની આ જાહેરાત બાદ મુરગૂડ નગરપાલિકા તેમના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂકતો ઠરાવ લાવી છે. તો કોલ્હાપુર આવીને શાંતિ અને સુવ્યવસ્થા સામે સમસ્યા ઊભી કરી તો મુંબઈના તેમના ઘર પર મોરચો કાઢવાની કોલ્હાપુર શહેર અને જિલ્લા કૃતિ સમિતિએ ચીમકી આપી છે.