ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
વૃદ્ધો જોડે અવારનવાર ઠગાઈ કરવાના સમાચારો સામે આવે છે. પરંતુ જો ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના ઘરે જ કોઈ કરોડોની ઠગાઈ કરી જાય ત્યારે વાત અસામાન્ય બની જાય છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) શરદ અરવિંદ બોબડેની માતા મુક્તા બોબડે સાથે તેમના જ કેરટેકરે 2.5 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. તેમની સંપત્તિની દેખભાળ કરી રહેલા કેરટેકર એવા આરોપીને મંગળવારે મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો છે.
CJI એસએ બોબડેની માતા મુક્તા બોબડે, નાગપુરમાં આકાશવાણી સ્ક્વેરની નજીક આવેલી સીડન લૉનની માલિક છે. આ લૉન લગ્ન અને અન્ય પ્રસંગો માટે ભાડે આપવામાં આવે છે. બોબડે પરિવારે આરોપીને 2007 માં સીડન લૉનના કેરટેકર તરીકે નિયુક્ત કર્યા હતા. જેને પગાર ઉપરાંત દરેક પ્રસંગ ના બુકિંગ પર કમિશન આપવામાં આવતું હતું.
આરોપી એ મુક્તા બોબડેની ઉંમર અને સ્વાસ્થ્યનો ફાયદો ઉઠાવીને પોતાની પત્ની સાથે મળી પૈસાની લેવડ-દેવડમાં ગરબડ કરવાની શરૂઆત કરી હતી. જેમાં આરોપી એ બુકિંગ કર્યુ, પરંતુ તેના પૈસા બોબડે પરિવારને આપ્યા નહતા. સામે અનેક કસ્ટમરને પણ ખોટી રશીદો આપી હતી. આ ઠગાઈનો ખુલાસો લૉકડાઉન દરમિયાન થયો, જ્યારે અનેક બુકિંગ રદ્દ થયા, પરંતુ તેમને તેની રિફંડ રકમ ના મળી.
ગ્રાહકોની ફરિયાદ બાદ મુક્તા બોબડેએ ઓગસ્ટમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે માટે SIT બનાવવામાં આવી હતી.
SITએ પોતાની તપાસ દરમિયાન આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં સઘળા કૌભાંડ નો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ગત મંગળવારે મોડી રાત્રે SITના અધિકારીઓએ આરોપી અને તેની પત્ની વિરુદ્ધ IPCની કલમ 409, 420 અને 467 અંતર્ગત શહેરની સીતાબર્ડી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી ધરપકડ કરી હતી.