ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
દેશમાં ભગવાનના અને રાજાઓનાં નામ પરથી અનેક ગામ અને શહેરનાં નામ છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં પાંચ શહેર એવાં છે જેમનાં નામ રાક્ષસો પરથી રખાયાં છે. પહેલું શહેર છે કર્ણાટકનું મૈસૂર. પૌરાણિક કથાઓ મુજબ મહિષાસુર રાક્ષસ હતો. મહિષાસુરના પિતા રંભતે અસુરનો રાજા હતો, જે એક સમયે પાણીમાં રહેતી ભેંસના પ્રેમમાં પડ્યો હતો. આ યોગ સાથે મહિષાસુરનો જન્મ થયો હતો. આને કારણે મહિષાસુર જ્યારે પણ ઇચ્છે એ ભેંસ અને માણસનું રૂપ ધારણ કરી શકતો. મહિષનો અર્થ સંસ્કૃતમાં ભેંસ થાય છે. હાલના મૈસૂરનું શરૂઆતનું નામ મહિષાસુરાના નામ પરથી હતું. જે અગાઉ મહિષા સુરુ હતું અને ત્યાર બાદ મહિશુરુ થયું.
બીજું શહેર છે, પંજાબનું જલંધર. જલંધર શહેરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે જલંધર પણ શિવનો પુત્ર હતો, પણ દંતકથાઓ તેમને ભગવાન શિવનો સૌથી મોટો દુશ્મન કહે છે. શ્રીમદ્ દેવીભાગવત પુરાણ અનુસાર, જલંધર અસુર શિવનો અંશ હતો, પરંતુ તે આ વાતથી અજાણ હતો. જલંધર ખૂબ જ શક્તિશાળી અસુર હતો. ઇન્દ્રને પરાજિત કર્યા પછી તે ત્રણેય લોકનો સ્વામી બની ગયો હતો. કહેવાય છે કે યમરાજ પણ તેનાથી ડરતા હતા. પંજાબના આ શહેરમાં આજે પણ મહોલ્લા કોટ કિશનચંદમાં અસુરરાજ જલંધરની પત્ની દેવી વૃંદાનું મંદિર આવેલું છે.
આ ક્રમમાં ત્રીજા ક્રમે છે તામિલનાડુનું શહેર તિરુચિરપલ્લી. અહીં થિરિસિરન નામનો રાક્ષસ હતો, જે ભગવાન શિવની ખૂબ તપસ્યા કરતો હતો. જેના કારણે તે જ્યાં રહેતો હતો, લોકોએ તેનું નામ થિરી સિકરપુરમ્ કરી નાખ્યું. બાદમાં તે તિરુચિરપ્લ્લી બની ગયું.
અહીં ચોથો નંબર છે બિહારના ગયા શહેરનો, જેનું નામ ગૈસુર રાક્ષસ પરથી પડ્યું છે. વિષ્ણુપદ મંદિરનો ગૈસુર સાથે વિશેષ સંબંધ છે. ખરેખર ભગવાન વિષ્ણુએ આ રાક્ષસનો વધ કર્યો હતો. એ સમયે અહીં પગનાં નિશાન હતાં. એ પછી, આ મંદિર અહીં બનાવવામાં આવ્યું હતું, જેને વિષ્ણુપદ મંદિર કહેવામાં આવે છે. ગયા મુક્તિધામ તરીકે પણ પ્રખ્યાત છે. દેશભરમાંથી લોકો અહીં તેમના પૂર્વજોને પ્રણામ કરવા આવે છે. ગયાનું બૌદ્ધો અને જૈન ધર્મ માટે પણ ઐતિહાસિક મહત્વ છે.
પાચમા નંબરે છે, હરિયાણાનું પલવલ. આ નામ પ્રલામ્બાસુર રાક્ષસના નામ પરથી આપવામાં આવ્યું છે. આ શહેરને પલમ્બરપુર પણ કહેવામાં આવતું હતું, પરંતુ સમયની સાથે એનું નામ પલવલ રાખવામાં આવ્યું. આ પ્રલમ્બાસુર મથુરાના રાજા કંસનો અસુર મિત્ર હતો. એકવાર જ્યારે શ્રી કૃષ્ણ અન્ય ગોપ અને બલરામ સાથે રમતા હતા એ સમયે આ રાક્ષસ બલરામને ખભા પર છૂપી રીતે લઈ દોડ્યો હતો. ત્યારબાદ બલરામે તેના શરીરનું વજન એટલું વધારી દીધું કે પ્રલમ્બાસુરને ચાલવામાં તકલીફ થવા લાગી અને આખરે તેને ખરા સ્વરૂપમાં આવવું પડ્યું. ત્યારબાદ પ્રલમ્બાસુર અને બલરામ વચ્ચે યુદ્ધ થયું અને પ્રલમ્બાસુર માર્યો ગયો.