ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
દેશ અને સમાજના ઉધ્ધાર માટે દાન આપવામાં ગુજરાતી ઓ સૌથી આગળ છે એ વધુ એકવાર સાબિત થયું છે. એડલગિવ અને હુરુન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં ગુજરાતના ટોરન્ટ ગ્રૂપના સુધીર મહેતા અને સમીર મહેતાનો સમાવેશ દેશના ટોચના 10 દાનવીરોની યાદીમાં થયો છે. મહેતા બંધુઓ 81 કરોડ રૂપિયાના સામાજિક દાન સાથે 10મા ક્રમે છે. અગાઉ આ યાદીમાં 74 કરોડ રૂપિયાના દાન સાથે રાહુલ બજાજ પરિવારનો સમાવેશ થતો હતો. જ્યારે આ યાદીમાં અઝીમ પ્રેમજી 7,907 કરોડ રૂપિયાના દાન સાથે ટોચના ક્રમે છે.
યાદીમાં ટોચના પાંચ ગુજરાતીઓમાં મહેતા બંધુઓ બીજા ક્રમે છે. યાદીમાં સામેલ ગુજરાતીઓમાં 9મા ક્રમે ગૌતમ અદાણી (88 કરોડનું દાન), 45મા ક્રમે કેડિલા હેલ્થકેરના પંકજ પટેલ (16 કરોડ રૂપિયાનું દાન), 89મા ક્રમે નિરમાના કરસનભાઈ અને પરિવાર (8 કરોડ રૂપિયા) તથા 105મા ક્રમે એઆઇએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ અને પરિવાર (6 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર કરાયેલી યાદીમાં વિપ્રોના અઝીમ પ્રેમજી ટોચના દાનવીર જાહેર થયા હતા. તેઓ સરેરાશ રોજનું 22 કરોડનું દાન કરતા હોવાનું બહાર આવ્યું છે. અન્ય દાનવીરોમાં મુકેશ અંબાણી, અનિલ અગ્રવાલ, શિવ નાદર વગેરેનો સમાવેશ થાય છે. 55 કરોડના દાન સાથે શિવ નાડર પરિવારનો પણ સમાવેશ થયો છે.
