ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભરૂચમાં સોની ફળિયું અને હાજીખાના વિસ્તારમાં હિન્દુઓએ તેમનાં મકાનો વેચવા કાઢ્યાનાં બૅનરો લગાવ્યાં છે. જે જોઈને પ્રશાસન પણ હેરાન થયું છે. જૂના ભરૂચના હાજીખાનામાં આવેલું જલારામ બાપાનું મંદિર પ્રાચીન છે. એના દરવાજે એવું લખેલું બૅનર મુકાયું છે કે : આ જલારામ બાપાનું મંદિર પણ વેચવાનું છે. મુસ્લિમોએ અહીંની મિલકતો ખરીદીને આ વિસ્તારને મુસ્લિમ બહુસંખ્યક કરી નાખ્યો છે. હિન્દુઓને પરેશાન કરી રહ્યા છે. એથી નાછૂટકે હિન્દુઓ પલાયન થવા મજબૂર થયા છે. આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ હોવા છતાં એનો અમલ થતો નથી. એવું એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અશાંત ક્ષેત્ર કાયદો લાગુ કરાયો છે. જ્યાં અશાંતધારા લાગુ હોય ત્યાંની મિલકતના વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેક્ટરની મંજૂરી સિવાય પ્રૉપર્ટી અન્ય ધર્મની વ્યક્તિને વેચી શકાતી નથી. ભરૂચમાં પણ વર્ષ 2019માં 40થી વધુ ઠેકાણે આ કાયદો લાગુ કરાયો હતો. એમાંથી સોની ફળિયું અને હાજીખાનામાં જ હિન્દુઓ બચ્યા છે. માંડ 20થી 25 હિન્દુ પરિવારો છે. તેમણે પણ પોતાનું ઘર અને વિસ્તાર છોડવાનો નિર્ણય કરી લીધો છે.
અહેવાલ મુજબ અશાંત ધારા પ્રમાણે એક સોસાયટીનાં બધાં જ ઘરો પર આ કાયદો લાગુ થાય, પરંતુ કાયદાની કેટલીક ત્રુટિઓનો ફાયદો ઉઠાવી અમુક લોકોએ દાવો કર્યો કે એક ઘર અશાંત ધારા હેઠળ આવે તો બીજું ઘર નહિ. આમ એક છોડીને એક ઘર પર આ કાયદો લાગુ પડે. આ મામલે ત્યાંના હિંદુ રહેવાસીઓએ વિરોધ કર્યો તો ઊલટું પોલીસે તેમની વિરૂદ્ધ શાંતિ ભંગ કરવાનો આક્ષેપ કરી ગુનો નોંધી લીધો.
આ સોસાયટીના હિંદુ નિવાસીએ એક મીડિયા સંસ્થાને કહ્યું હતું કે મોટી રમત રમાઈ રહી છે. જેમાં હિન્દુઓનાં ઘર પહેલાં કોઈ હિન્દુ દ્વારા ખરીદવામાં આવે છે. ત્યાર પછી બે – ત્રણ મહિનામાં એક મુસ્લિમ દ્વારા તેની ખરીદી થાય છે. ઉપરાંત આ વિસ્તારમાં જલારામ બાપાના મંદિરમાં આરતી થાય ત્યારે શરૂમાં નવા મુસ્લિમ રહેવાસીઓ વાંધો ઉઠાવતા, સ્પીકરનો ઉપયોગ નહોતા કરવા દેતા. હવે અમે ફળિયામાં બેસીએ તો અમારી વિરુદ્ધ ગેરવર્તનનો આરોપ લગાવે છે. અહીંયાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અમે પ્રશાસન સમક્ષ ફરિયાદ કરી છે પણ કોઈ પગલું લેવાયું નથી.