ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
કોલેજ ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર છે. હવે એડમિશન રદ્દ કરશો તો આખી ફી પરત કરવામાં આવશે. જો હવે વિદ્યાર્થીઓ એ અંડરગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન) અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા પછી રદ કરવા માંગતા હોય, તો પ્રવેશ સમયે તેઓએ ચૂકવેલી આખી ફી પરત કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ આ પ્રકારનો આદેશ જાહેર કર્યો છે. યુજીસીએ ચેતવણી પણ આપી છે કે જે કોલેજો આવા કેસમાં ફી પરત નહીં આપે અથવા ફી ઘટાડશે નહીં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘણા માતા-પિતાને કોરોના લોકડાઉન અને અન્ય સંબંધિત કારણોસર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણાં માતા-પિતાએ તેમના બાળકોનું એડમીશન રદ કરાવ્યુ છે. પરંતુ કોલેજોએ તેમને પ્રવેશ સમયે ચૂકવવામાં આવતી ફી પરત કરવાનો ઇનકાર કરી દીધો છે. યુજીસીએ વાલીઓની ફરિયાદોને પગલે ઉપરોક્ત આદેશો જારી કર્યા છે.
30 નવેમ્બર, 2020 સુધીમાં પ્રવેશ કેન્સલ કરાવવામાં આવતા વિદ્યાર્થીઓને ભરેલી ફી પાછી મળશે. યુજીસીએ માહિતી આપી છે કે પ્રવેશ રદ કરવા માટે યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને કોઈ ફી લેવી જોઈએ નહીં. 31 ડિસેમ્બર 2020 સુધી પ્રવેશ રદ કરનારા વિદ્યાર્થીઓએ પ્રોસેસિંગ ફી તરીકે ફક્ત એક હજાર રૂપિયા ચૂકવવા પડશે. તેઓએ ચૂકવેલી ફીમાંથી બાદ કરવામાં આવશે અને બાકીની રકમ તેમને પરત કરવામાં આવશે. યુજીસીએ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાની પૃષ્ઠભૂમિ પર ફક્ત ચાલુ વર્ષ માટે છૂટ આપવામાં આવી છે અને અગાઉના નિયમો આવતા વર્ષથી અમલમાં રહેશે.
