ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
વિશ્વના મોટા મોટા દેશોએ સાથે મળીને આકાશમાં એક ઘર બનાવ્યું છે. આ ઘરમાં રહીને સંશોધકો અવકાશના ગહન રહસ્યો ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. આકાશમાં રહેલા આ ઘરને ‘ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન’ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીથી ૪૦૮ કિમી.ની ઊંચાઈ એ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આજે ૧૪મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જાેઈ શકાશે. જામનગર સહિત રાજ્યના નભોમંડળમાં ઉત્તરાયણના રોજ શુક્રવારે સાંજે આ અવકાશી અલભ્ય નજારો જાેવા મળવાનો છે. ત્યારે રાજ્યની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટનાનો લહાવો લેવા અનુરોધ કરાયો છે.
આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાલમાં ૭ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. ૭૩.૦ મીટરની લંબાઈ અને ૧૦૯ મીટરની પહોળાઇ ધરાવતું આ યાન ૭.૬૬ કિમી. પ્રતિ સેકન્ડની ઝડપે દર ૯૨.૬૮ મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૃથ્વીની ૧,૩૧,૪૪૦ પ્રદક્ષિણા કરી લીધી છે. જામગનર ખંગોળ મંડળના કિરીટભાઈ શાહે જણાવ્યુ કે ૧૪ જાન્યુઆરીએ જામનગર, રાજકોટ, અમદાવાદ સહીત શહેરમાંથી પ્રસાર થતા જાેઈ શકાશે. જામનગર શહેરના નભોમંડળમાં ૧૪ જાન્યુઆરીને શુક્રવારના સાંજે ૭ વાગ્યાને ૩૦ મિનિટ અને ૨૯ સેકન્ડ પછી આ યાન દેખાવાનો પ્રારંભ થશે, અને ૭ વાગ્યાને ૩૫ મિનિટને ૫૨ સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે. જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊગીને મધ્ય આકાશમાં મેષ રાશિમાંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.
સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જાેવા મળશે, જેમાં રાજકોટમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૫૭ સેકન્ડ, અમદાવાદમાં ૭ કલાક ૩૬ મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોલમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૩૬ સેકન્ડ, દ્વારકામાં ૭ કલાક ૩૫ મીનિટ અને ૩૯ સેકન્ડના સમયે મધ્ય આકાશમાં નરી આંખે જાેઈ શકાશે. અવકાશ સંશોધન ક્ષેત્રે ખુબ ઉપયોગી પુરવાર થયેલા આ સ્પેસ સ્ટેશનની આ સમયે પ્રકાશની તીવ્રતા. -૩.૯ એટલે કે શુક્રના ગૃહ જેટલું પ્રકાશીત દેખાશે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતું હોવાથી મધ્ય આકાશમાં અને બ્રમ્હમંડળના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે ૪ મિનિટ સુધી જોઈ શકાશે.