ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
લૉકડાઉનના નિયમો હળવા કરવાની સાથે રેલવે પ્રશાસન દ્વારા પણ બહારગામની ટ્રેનો પૂર્વવત્ દોડાવી રહી છે. એમાં વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને પ્રવાસીઓનો મોળો રિસ્પૉન્સ મળવાને કારણે અગાઉ થોડા સમય માટે બંધ પણ રાખવામાં આવી હતી. હવે જોકે તેજસને ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) નવી-નવી યોજના બહાર લાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં રક્ષાબંધન નિમિત્તે IRCTCએ મહિલા પ્રવાસીઓને કૅશબૅકની ઑફર આપી હતી.
હવે IRCTC તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓ માટે સરપ્રાઈઝ લઈ આવી છે. એમાં 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર, 2021 સુધી પ્રવાસીઓને લકી ડ્રૉના માધ્યમથી સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. ટ્રેનમાં પોતાની યાત્રા દરમિયાન એક્ઝિક્યુટિવ ઍસી ચૅરકાર અને ઍસી ચૅરકારના પ્રવાસીઓને ગિફ્ટ મળશે. આ લકી ડ્રૉમાં જેનો PNR નંબર આવશે તેને સરપ્રાઇઝ ગિફ્ટ મળશે.