ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
લોકો છોકરી પટાવવા માટે કે લગ્ન કરવા માટે કેટકેટલી તરકીબો અજમાવતા હોય છે અને મહદંશે એમાં સફળ પણ થતા હોય છે. પરંતુ લગ્ન પછી રજા ભોગવવા માટે તાઈવાનના એક ભાઈએ કેવી તરકીબ અજમાવી એ વાંચશો તો તમને આશ્ચર્યની સાથે હસવું પણ આવશે.
તાઈવાનના એક બેંક કર્મચારીએ 37 દિવસમાં એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન કર્યા અને ત્રણ વાર ડિવોર્સ લીધા હતા. તાઇવાનની બેંક ના કાયદા પ્રમાણે લગ્ન માટે આઠ દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે. પરંતુ આ આઠ દિવસની રજા થી ન ધરાતા અને બીજી રજા વધારવા માટે તેણે એક નવી પદ્ધતિ શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ આઠ દિવસની પેઈડ લીવ લઇ શકે. આ સિલસિલો જાળવતા તેણે 37 દિવસની રજામાં એક જ છોકરી સાથે ચાર વખત લગ્ન કર્યા અને ત્રણ વખત ડિવોર્સ લીધા. અંતે બેંકે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ વ્યક્તિ શું કરવા માંગે છે. અને તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઇનકાર કરી દીધો, ત્યારે આ વ્યક્તિએ સીટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ આ આખી ઘટનાનો ખુલાસો થયો.