ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
તાજેતરમાં કચ્છના નાના રણમાંથી સાત ઘુડખર પ્રાણીઓનાં હાડપિંજર મળી આવ્યાં છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અચાનક મળેલાં કુલ સાત ઘુડખરનાં હાડપિંજરથી વન વિભાગના અધિકારીઓ હચમચી ગયા છે. આ ઘુડખર પંદરેક દિવસ અગાઉ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક દ્દૃષ્ટિએ જોવા મળતાં એમનું પોસ્ટમૉર્ટમ કરાવવું પણ શક્ય નથી.
ઘુડખર ભારતમાં ઝડપી દોડનારાં પ્રાણીઓમાંનું એક છે.રણના ધબકાર તરીકે ઓળખાતાં જંગલી ઘુડખરના રક્ષણ માટે વન્યપ્રાણી ધારા હેઠળ 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને અભયારણ્ય વિસ્તાર તરીકે સંરક્ષિત કરવામાં આવ્યો હતો. ૧૯૬૦ દરમિયાન માખીઓ દ્વારા ફેલાયેલા સુર્રા નામના રોગચાળાને કારણે ઘુડખરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૬માં ઘુડખરની વસ્તી ૩,૫૦૦ હતી અને રોગચાળા દરમિયાન એ ઘટી અને ૧૯૬૩માં 362 થઈ ગઈ હતી. 2020ના આંકડા મુજબ આ સંખ્યા 6082ની છે અને અચાનક ઉપરોક્ત ઘટના સામે આવતાં વન વિભાગના અધિકારીઓ સાવચેત થઈ ગયા છે.