ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
અખરોટ મગજ માટે ખૂબ જ સારાં માનવામાં આવે છે. બદામ અને અખરોટ એવાં બે ડ્રાય ફ્રૂટ્સ છે, જે સૌથી વધુ ખાવામાં આવે છે. અખરોટમાં પ્રોટીન, ચરબી, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં કૅલ્શિયમ, પોટૅશિયમ, આયર્ન, કૉપર, ઓમેગા-3 ફૅટી ઍસિડ, મોનોઅનસેચ્યુરેટેડ ફૅટી ઍસિડ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક પણ મળી આવે છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે પલાળેલાં અખરોટ ખાવાથી શું ફાયદા થાય છે અને એનાથી કઈ બીમારીઓ દૂર રહે છે.
હૃદય
અખરોટને હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને જ્યારે તમે એને પલાળીને ખાઓ છો તો એના ફાયદા વધી જાય છે. પલાળેલાં અખરોટમાં ઓમેગા-3 ફૅટી ઍસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં, સારા કોલેસ્ટ્રોલને વધારવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ પલાળેલાં અખરોટનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એનાથી ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે.
વજન
જો તમે વજન ઓછું કરવા માગો છો, તો તમારે તમારા આહારમાં પલાળેલાં અખરોટનો સમાવેશ કરવો જોઈએ. પલાળેલાં અખરોટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ઓછી કૅલરી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.
પાચનતંત્ર
પલાળેલાં અખરોટ ખાવાથી કબજિયાત, પેટની સમસ્યા દૂર કરી શકાય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
હાડકાં
પલાળેલાં અખરોટમાં આવાં ઘણાં તત્ત્વો જોવા મળે છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એમાં આલ્ફા-લિનોલેનિક ઍસિડ હોય છે, જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય જાણકારી : પાચનથી ત્વચા સુધી; જાણો લીલાં મરચાં ખાવાના અદ્ભુત ફાયદા વિશે