ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
સલૂન કે બ્યુટી પાર્લરમાં ગયા પછી હેરસ્ટાઇલિસ્ટની કેટલીક નાની-નાની ભૂલોને ભૂલી જવી એ સામાન્ય વાત છે, પરંતુ એક મૉડલે ફરિયાદ નોંધાવતાં, ગ્રાહક સમિતિએ આવી ભૂલ માટે સલૂનને 2 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો.
વાત જાણે એમ છે કે દિલ્હીમાં એક ફાઇવ સ્ટાર હૉટેલના પરિસરમાં આવેલા સલૂનને નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન દ્વારા 2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી એપ્રિલ 2018માં તેમની પાસે વાળ કપાવવા ગઈ હતી.
આ યુવતી મૉડલ છે. તેના સામાન્ય હેરસ્ટાઇલિસ્ટ ઘટનાના દિવસે સલૂનમાં ગેરહાજર હતી. એથી તેને અન્ય સ્ટાઇલિશ આપવામાં આવી હતી. યુવતીએ તેને વાળ કાપવાની યોગ્ય સૂચના આપી હતી. યુવતીના વાળ લાંબા હતા. તેથી તે તેને નીચેની બાજુએથી ચાર ઇંચ તેમજ આગળની બાજુએ લાંબી લટ કાપવા માગતી હતી.
આ યુવતીને નંબરનાં ચશ્માં છે, જ્યારે તે તેના વાળ કાપી રહી હતી ત્યારે તેને ચશ્માં કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું. વળી હેરડ્રેસરે મૉડલને તેની ગરદન નીચે રાખવા જણાવ્યું હતું. આ સ્ટાઇલિસ્ટે સરળ વાળ કાપવામાં એક કલાકનો સમય લીધો, પરંતુ જ્યારે વાળ કાપવાનું પૂર્ણ થયું, ત્યારે યુવતી પોતાને જોઈને ચોંકી ગઈ.
આ હેરસ્ટાઇલિસ્ટે તેના વાળ માત્ર ચાર ઇંચ લાંબા રાખ્યા હતા. તેણે લંડન હેરકટ નામની હેરસ્ટાઇલ હોવાનો દાવો પણ કર્યો હતો. આ સ્ટાઇલ પછી યુવતીને લાંબા વાળ માટે મળેલી મૉડલિંગ ઑફર પણ રદ થઈ ગઈ હતી અને તેને વ્યાવસાયિક નુકસાન ભોગવવું પડ્યું હતું.
જેથી આ યુવતીએ ગ્રાહક સમિતિમાં સલૂન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તેમના નિરીક્ષણની જાણ કરતાં સમિતિના અધ્યક્ષે કહ્યું કે મહિલાઓ સભાન અને ભાવનાત્મક રીતે તેમના વાળ સાથે જોડાયેલી હોય છે. વાળને સુઘડ રાખવા માટે તેઓ ઘણો ખર્ચ કરે છે. આથી ગ્રાહક સમિતિએ આ કેસમાં સલૂનને 2 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે
શરમ કરો : બળાત્કારના મામલે મહારાષ્ટ્ર આખા દેશમાં ચોથા સ્થાને.