ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
છત્તીસગઢના કોન્ડાગાંવમાં એક વિચિત્ર પ્રકરણ સામે આવ્યું હતું, જેમાં મહિલાએ પેન્શનની લાલચમાં પોતાના સસરાને જ પતિ બનાવીને રજૂ કર્યો. જોકે તેનો ભાંડો ફૂટી જતાં તેને સેશન્સ કોર્ટે 4 વર્ષની સખત જેલની સજા ફટકારી છે તેમ જ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોન્ડાગાંવના સરગીપાલપારા વિસ્તારમાં 50 વર્ષની રેણુ મિશ્રા રહે છે. તેના સસરા રામચંદ્ર મિશ્રા પોલીસ ખાતામાં કામ કરતા હતા. તેમની પેન્શન બુકમાં પત્નીનું નામ રામપ્યારી લખવામાં આવ્યું છે, જે હાલ ઉત્તર પ્રદેશમાં રહે છે. રેણુ મિશ્રાના પતિનું નામ અશોક મિશ્રા છે. રેણુના સસરા રામચંદ્રનું વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું, ત્યારે રેણુએ પોતાના સસરાનું પેન્શન લેવા માટે 7 ફેબ્રુઆરી, 2009ના ખોટું આવેદનપત્ર આપીને પોતાને રામંચદ્ર મિશ્રાની પત્ની ગણાવી હતી. છળ-કપટથી પોતાની જાતને તેણે રામચંદ્રની પત્ની રામપ્યારી સાબિત કરી હતી અને તેના હસ્તાક્ષર પણ કર્યા હતા. તેમ જ આવેદનપત્રમાં તેણે પોતાનાં બાળકોને મૃતક રામચંદ્રના સગીર વયનાં બાળકો પણ ગણાવ્યાં હતાં.
આ બાબત પ્રકાશમાં આવતાં તેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એમાં તેણે કપટ કરીને સરકાર પાસેથી પેન્શન મેળવ્યું હોવાનું સાબિત થયું હતું. એથી કોર્ટે તેને ચાર વર્ષની સજા ફટકારી હતી.