ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
દુનિયામાં મનુષ્યની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે. વસ્તી વધતાં ભોજન ની જરૂરિયાત પણ વધી રહી છે. આ ભોજન ઉગાડવા માટે તેને જમીનની જરૂર પડે છે અને પોતાની જમીનની જરૂરીયાત સંતોષવા માટે મનુષ્ય વન્ય જીવોનો વિચાર કર્યા વગર જંગલોનો નાશ કરી રહ્યા છે. 1970 થી લઈને આજ સુધીમાં લગભગ 85% પાણીયુકત જંગલ વિસ્તાર ખોવાઈ ગયો છે. બુધવારે પ્રકાશિત ડબ્લ્યુડબ્લ્યુએફના લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2020 માં જાણવા મળ્યું છે કે 1970 અને 2016 ની વચ્ચે વૈશ્વિક વન્યપ્રાણી વસતીમાં 68 ટકાનો ઘટાડો થયો છે. અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે પૃથ્વીની બરફ મુક્ત જમીનની 75 ટકા સપાટીમાં પહેલેથી જ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે, મોટાભાગનાં મહાસાગરો પ્રદૂષિત થયાં છે, અને આ સમયગાળા દરમિયાન ભીના જળયુક્ત પટ્ટાઓનો 85% થી વધુ વિસ્તાર ખોવાઈ ગયો છે. જેને કારણે જળાશયો ની આસપાસ ઉછરતા પશુ પ્રાણીઓ માં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક સ્તરે જમીન વપરાશના ફેરફારને કારણે સૌથી વધુ જૈવવિવિધતાનું નુકસાન યુરોપ અને મધ્ય એશિયામાં 57.9 ટકા, પછી ઉત્તર અમેરિકામાં 52.5 ટકા, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 51.2 ટકા, આફ્રિકામાં 45.9 ટકા અને તે પછી એશિયામાં જોવા મળ્યું છે 43 ટકા. જૈવ વિવિધતાના નુકસાન તરફ દોરી જતા અન્ય પરિબળોમાં વન્ય પ્રજાતિઓનો વધુ પડતો શિકાર, આક્રમક પ્રજાતિઓ અને રોગો, તેમજ પ્રદૂષણ અને હવામાન પરિવર્તનનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં જૈવવિવિધતામાં આવેલા નુક્શાનનો સૌથી મહત્વપૂર્ણ કારણ છે જમીનના વપરાશમાં આવેલું પરિવર્તન છે. લિવિંગ પ્લેનેટ ઈન્ડેક્સ મુજબ વન્યપ્રાણી વસતિનો સૌથી મોટુ નુકસાન લેટિન અમેરિકામાં 94 ટકાની ભયંકર સપાટીએ પહોંચ્યું છે. અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે જળચરોની વસ્તી છે જે મહાસાગરો અથવા જંગલોની સરખામણીએ ઝડપથી ઘટી રહી છે.
આઈયુસીએન રેડ લીસ્ટ અનુસાર ભારત, એક મેગાડિવર્સ દેશ છે. જે વિશ્વના જમીનના માત્ર 2.4 ટકા વિસ્તારમાં 45,000 થી વધુ જાતિના છોડ ધરાવતું હતું. જેમાંથી છ વનસ્પતિ ની જાતિઓ લુપ્ત થઈ ચૂકી છે. અહેવાલમાં વધુમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં ચાર દાયકામાં ભારતે શહેરીકરણ, કૃષિ વિસ્તરણ અને પ્રદૂષણથી લગભગ એક તૃતીયાંશ કુદરતી ભૂમિ ગુમાવી દીધી છે અને ડબ્લ્યુડબ્લ્યુએફ ભારતના વૉટર સ્ટેવર્ડશીપ ફોર ઇન્ડસ્ટ્રીઝના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં 20 નદીના તટમાં પહેલેથી જ પાણીની તંગી છે અને 2050 સુધીમાં ભારે પાણીની અછત તરફ વળશે. રિપોર્ટ સૂચવે છે કે જૈવ વિવિધતા અને પ્રકૃતિ સાથેના આપણો સંબંધ ઓછો થઈ રહ્યો છે. ડબલ્યુડબલ્યુએફએફ ઇન્ડિયાના પ્રોગ્રામએ જણાવ્યું હતું કે, જમીનની તંદુરસ્તી પણ ઓછી થઈ રહી છે અને આપણે ફળદ્રુપ વિસ્તારો અને જળાશયો ઘટી રહયાં છે. આને કારણે આટલી મોટી સંખ્યામાં વન્યજીવો અને જળચરો લુપ્ત થઈ ગયાં છે અને થઈ રહયાં છે.
