News Continuous Bureau | Mumbai
Gajendra Chauhan બી.આર. ચોપરાની પ્રખ્યાત સિરિયલ ‘મહાભારત’ માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સના ડિસ્કાઉન્ટની લાલચ આપી ઠગોએ તેમના ખાતામાંથી ૯૮,૦૦૦ રૂપિયા સેરવી લીધા હતા. જોકે, મુંબઈની ઓશિવારા પોલીસની સાયબર સેલે ‘ગોલ્ડન અવર’ માં કાર્યવાહી કરીને અભિનેતાની પૂરેપૂરી રકમ પરત અપાવી છે.
કેવી રીતે થઈ ઠગાઈ?
મહાભારતના ‘યુધિષ્ઠિર’ ગજેન્દ્ર ચૌહાણ સાથે થયેલી આ સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી, જેમાં ઠગોએ લોકપ્રિય બ્રાન્ડ D-Mart ના નામે જાળ બિછાવી હતી. ગજેન્દ્રજીએ ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સ પર ભારે વળતર આપતી એક લોભામણી જાહેરાત જોઈ હતી, જેનાથી પ્રેરાઈને તેમણે ઓર્ડર આપવા માટે આપેલી લિંક પર ક્લિક કર્યું હતું. જેવી તેમણે ઓર્ડરની પ્રક્રિયા પૂરી કરી, તેમના મોબાઈલ પર એક OTP આવ્યો અને તે એન્ટર કરતાની સાથે જ તેમના HDFC બેંક ખાતામાંથી 98,000 રૂપિયા સાફ થઈ ગયા હતા.
પોલીસની ‘સુપરફાસ્ટ’ કાર્યવાહી
છેતરપિંડીનો અહેસાસ થતા જ ગજેન્દ્ર ચૌહાણે સહેજ પણ વિલંબ કર્યા વગર મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. સાયબર ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે આ રકમ Razorpay પેમેન્ટ ગેટવે મારફતે Croma ના એક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે સમય સૂચકતા વાપરીને બેંક અને પેમેન્ટ ગેટવેના નોડલ ઓફિસરોનો તુરંત સંપર્ક કર્યો અને ઈમેલ દ્વારા આ ટ્રાન્ઝેક્શનને હોલ્ડ કરાવી દીધું. મુંબઈ પોલીસની આ ‘સુપરફાસ્ટ’ કાર્યવાહીને કારણે માત્ર 10 દિવસની અંદર જ અભિનેતાની પૂરેપૂરી રકમ તેમના ખાતામાં સુરક્ષિત રીતે પરત આવી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
સાયબર સુરક્ષા માટે સંદેશ
પોતાની રકમ પરત મળ્યા બાદ ગજેન્દ્ર ચૌહાણે મુંબઈ પોલીસનો આભાર માન્યો છે. આ કિસ્સો બોધપાઠ આપે છે કે જો ઓનલાઈન છેતરપિંડી થાય, તો તરત જ ૧૯૩૦ હેલ્પલાઈન પર ફરિયાદ કરવી જોઈએ. જો તમે સમયસર રિપોર્ટ કરો, તો તમારી મહેનતની કમાણી બચી શકે છે.
