ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
આગામી વર્ષથી મુંબઈગરાને વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રુઝમાં બેસવાનો મોકો મળવાનો છે. મુંબઈમાં ઈન્દિરા ડોક ખાતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેથી વિશ્ર્વની મોટી મોટી કંપનીઓની ક્રુઝ આ ટર્મિનલ પર આવશે એવું માનવામાં આવે છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે.
કોરોનાના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. હાલ સિવિલ કામ ચાલી રહ્યા છે. છ મહિનામાં સિવિલ કામ પૂરા થશે. એ સિવાય અન્ય મહત્વના કામ પૂરા થયા બાદ લગભગ જાન્યુઆરી 2023 સુધી આ ટર્મિનલ ચાલુ કરવાની મુંબઈ પોર્ટ ટ્રસ્ટની યોજના છે.
મુંબઈ મેટ્રોને જોરદાર ફટકો, મેટ્રો કોચના સપ્લાયરે કોચ આપવાની ના પાડી. આ છે કારણ.
ઈન્દિરા ડોક પર 40,000 ચોરસમીટરના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, તે માટે વિશેષાધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને તેમને બે પ્લેટફોર્મ 30 વર્ષની મુદત માટે લીઝ પર અપાશે. આ ક્રુઝને કારણે મુંબઈ પોર્ટ ટ્રસ્ટને તો આવક થશે પણ સાથે જ લાખો રોજગારી પણ નિર્માણ થશે.
દેશના અર્થતંત્રમાં આ ટર્મિનલ 29,000 કરોડ રૂપિયા લાવશે અને બે લાખ નોકરીની તક ઊભી કરશે. તો અહીં રોજના 10 લાખ પ્રવાસીઓની અવરજવર થશે અને 500 જેટલા જહાજોનું સંચાલન અહીંથી થઈ શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ પોર્ટ ટ્રસ્ટને 2030 સુધી અહીં વાર્ષિક 12 લાખ પ્રવાસીઓ સાથે એક હજાર જહાજોને લાંગરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.