ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
મુંબઈગરાની માનીતી ઓટોરિક્ષા બહુ જલદી મુંબઈના રસ્તા પરથી અદ્રશ્ય થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ને લઈને દંડની જે પોલિસી અમલમાં મૂકી છે, તેનાથી કંટાળી ગયેલા ઓટો રિક્ષાવાળા રીક્ષા ચલાવવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. અત્યાર સુધી 4000થી 6000 ઓટો રિક્ષાવાળાએ પોતાનો વ્યવસાય બદલી નાખ્યો હોવાનો દાવો તેમના યુનિયને કર્યો છે.
ઓટોરિક્ષાવાળાના યુનિયનના કહેવા મુજબ મુંબઈમાં લગભગ 2.20 લાખ જેટલા ઓટોરિક્ષાવાળા છે. તેમાંથી અત્યાર સુધી બેથી ત્રણ ટકા લોકોએ રિક્ષા ચલાવવાનું છોડી દીધું છે. મોટાભાગના લોકો સિક્યોરીટી ગાર્ડ તરીકે અને એપ દ્વારા ચાલતી ખાનગી ટેક્સીમાં ડ્રાઈવર તરીકે જોડાઈ ગયા છે.
રસ્તા પર ઊભા કરેલા આ ટેન્ટ મદદરૂપ કે લોકો માટે અડચણરૂપ, શહેરમાં 100થી વધુ ઠેકાણે ઊભા છે આ ટેન્ટ; જાણો વિગત
યુનિયનના કહેવા મુજબ મહારાષ્ટ્ર સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે. જુદા જુદા નિયમો હેઠળ તેમની હેરાનગતિ થાય છે. તેથી તેઓ કંટાળી ગયા છે. દિવસના માંડ 400થી 500 રૂપિયા કમાઈ રહ્યા છે, જે મહિનાના માંડ 12થી 15 હજાર થાય છે. તેની સામે દર મહિને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ 1500થી 3000 રૂપિયાનો દંડ ભરે છે.
મુંબઈ ઓટોરિક્ષા એન્ડ ટેક્સી યુનિયને કોરોનાને લગતા પ્રતિબંધો હળવા થયા બાદ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત પણ કરી છે.