ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
મુંબઈના રસ્તા પર અને ફૂટપાથ પર અનેક જગ્યાએ પોલીસો માટે પોર્ટેબલ અને સેમી મોડ્યુલર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી અનેક જગ્યાએ આ ટેન્ટ વપરાયા વગરના પડી રહ્યા છે. અનેક જગ્યાએ ગર્દુલાઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેની સામે સોશિયલ મિડિયામાં એલર્ટ સિટિઝન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. એ દરમિયાન 24 કલાક ફરજ બજાવી રહેલા પોલીસો માટે મુંબઈમાં જુદા જુદા રસ્તા અને ફૂટપાથ પર 100થી વધુ પોર્ટેબલ અને સેમી મોડ્યુલર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. લોકડાઉન પાછો ખેંચી લેવામાં આવ્યો છે, જોકે હવે અનેક જગ્યાએ આ ટેન્ટ વપરાયા વગર ખખડી ગયેલી હાલતમાં છે,
મુંબઈમાં કોરોનાની 3જી લહેર પૂર્ણવિરામ ને આરે, દર્દીઓ ઘટતા શહેરના આ 4 જમ્બો કોવિડ સેન્ટર બંધ થયા; જાણો વિગતે
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી કંપની દ્વારા પોલીસ માટે મુંબઈમાં 100થી વધુ જગ્યાએ આવા પોર્ટેબલ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પેટ્રોલિંગ કરી રહેલા પોલીસો માટે આ ટેન્ટ વરદાનરૂપ સાબિત થયા હતા. તડકામાં અને વરસાદમાં રસ્તા પર ફરજ બજાવી રહેલા પોલીસ માટે આ ટેન્ટ મદદરૂપ છે. આ ટેન્ટમાં પોલીસોને કપડા બદલવાની, પાણીની અને થોડો વખત આરામ કરવાની સુવિધા છે. અમુક જગ્યાએ આ ટેન્ટ વપરાયા વગરના પડી રહ્યા છે એવી ફરિયાદ આવી છે. તે બાબતે વિચાર કરાશે.
આ દરમિયાન જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એલર્ટ સિટીઝન દ્વારા મુંબઈ પોલીસ, મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈના મેયરને ટેગ કરીને ગોરેગામ(વેસ્ટ)માં એસ.વી. રોડ પર વપરાયા વગરના પડી રહેલા ટેન્ટ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. વપરાયા વગરના ટેન્ટને કારણે લોકોને રસ્તા પર ચાલવામાં તકલીફ પડી રહી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમની આ ફરિયાદ સામે પાલિકાએ પણ આ મુદ્દે બનતું કરવાનું આશ્વાસન આપ્યું છે.