ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં આગામી સમય મુંબઈ મહાનગરપાલિકા સહિત અનેક પાલિકાની ચૂંટણીઓ યોજવાની છે. જેમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં આજે નવા વોર્ડની રચનાનો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યો છે. એ સાથે જ વધારાના 9 વોર્ડની યાદી પણ તેમાં રજૂ કરવામાં આવી હતી. મુંબઈમાં વોર્ડની સંખ્યા 236 થવાની સાથે ચૂંટણીમાં બેઠકોના સમીકરણ પણ બદલાય તેવી શક્યતા છે.
મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડ પુનઃરચના નો પ્લાન ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યો છે. વોર્ડની પુનઃ રચના કરવાનો નિર્ણય શહેરની 2011ની લોકસંખ્યાને બદલે છેલ્લા 11 વર્ષોમાં નવી ઇમારતો, કોલોની અને વધારાની નવી બાંધકામ સાઇટ્સની વસ્તી ગીચતા પર આધાર પર લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ શહેર, પશ્ચિમ ઉપનગરો અને પૂર્વ ઉપનગરોમાં ત્રણ-ત્રણ વોર્ડ ઉમેરવામાં આવ્યા છે. તે મુજબ લોઅર પરેલ, વરલી જેવા શહેરી વિસ્તારોમાં નવા બાંધકામો અને નવી ઇમારતો સાથે નવા વોર્ડ બનાવવામાં આવે તેવી શક્યતા છે. તો પૂર્વ ઉપનગરોમાં માનખુર્દ, સંઘર્ષનગર, માહુલ અને પશ્ચિમ ઉપનગરોમાં BMC ચૂંટણી 2022માં નવા વોર્ડ સ્થાપવામાં આવે તેવી શક્યતા છે.
કોરોના મહામારીને કારણે રાજ્યમાં અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. જો કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની મુદત ફેબ્રુઆરી 2022 માં સમાપ્ત થાય છે. પરંતુ હાલની કોરોનાની સ્થિતિ અને ત્રીજા લહેરને પગલે ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા છે.