ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હોવાથી પાલિકા પ્રશાસને માંડ રાહતનો શ્વાસ લીધો હતો. દર્દીની સંખ્યા ઘટી હોવાથી જંબો સેન્ટર પણ તબક્કાવાર બંધ કરી રહી છે. પરંતુ આયઆયટી કાનપુરે જુલાઈ મહિનામાં કોરોનાની ચોથી લહેરની ચેતવણી આપી છે. તેથી તમામ જંબો સેન્ટર બંધ કરવાને લઈને પાલિકા વિસામણમાં મુકાઈ ગઈ છે.
મુંબઈના સાત જંબો કોવિડ સેન્ટરમાં હાલ માંડ ૫૦ દર્દી સારવાર હેઠળ છે. આ સેન્ટર બંધ કરવાની પાલિકાએ તૈયારી કરી લીધી છે. મુંબઈમાં હવે ફક્ત ૬28 કોવિડના દર્દી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દૈનિક સ્તરે દર્દી વધવાનો દર ૦.૦૧ ટકા છે. હાલ 327 દર્દી ઑક્સિજન પર છે. દરરોજ નોંધાતા દર્દીની સંખ્યા ૧૦૦ની નીચે આવી ગઈ છે.
બહુ જલદી મુંબઈ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થવાની તૈયારીમાં છે. તેથી મુલુંડ, દહિંસરના કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. તો હજી દસ જંબો સેન્ટર પણ તબક્કાવાર બંધ કરવામાં આવવાના છે. આ સેન્ટરમાંથી મેડિકલ સાધનો અન્ય સ્થળે ખસેડવાનું કામ પ્રગતિએ છે.
રાત્રે ઘરે મોડા આવો છો. હવે ચિંતા નહીં કરતા. બેસ્ટની બસ 24 કલાક ચાલશે. જાણો શું છે નવી સુવિધા…
મુંબઈમાં કોવિડ પ્રતિબંધાત્મક વૅક્સિનનો પહેલો ડૉઝ લેનારા લોકોનું પ્રમાણ ૧૦૨ ટકા અને બીજો ડૉઝ લેનારાનું પ્રમાણ પણ ૯૮ ટકા છે. કોરોના નિયંત્રણમાં હોવાથી તમામ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. તેથી પાલિકાએ જંબો સેન્ટર પર થનારો લાખો રૂપિયાનો નકામો ખર્ચ રોકવા માટે પાલિકાએ આ સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે કાનપુર આયઆયટીના નિષ્ણાતોએ જુલાઈ મહિનામાં કોવિડની ચોથી લહેરની શક્યતા વ્યક્ત કરી હોવાથી પાલિકાની ચિંતામાં વધારો થયો છે. તેથી તમામ કોવિડ સેન્ટર બંધ કરવા પહેલા રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સને આ બાબતે માર્ગદર્શન કરવા કહ્યું હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.