ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોનાથી બચવા માસ્ક પહેરવો અનિવાર્ય છે. છતાં મુંબઈમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. પોતાની સાથે જ અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે. આવા લોકો પર નજર રાખવા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કલીનઅપ માર્શલ નીમવામાં આવ્યા છે. જોકે આ કલીન-અપ માર્શલ્સ ખોટી રીતે લોકોને હેરાન કરતા હોવાની અને પકડાયેલા લોકો સાથે બારોબાર સેટિંગ કરી નાખતા હોવાની અનેક વખત ફરિયાદ આવતી હોય છે.
માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસુલવો એ પૈસા કમાવાનો ધંધો બની ગયો છે. ખાસ કરીને લોકો પાસેથી રસીદ વગર ક્લીનઅપ માર્શલ્સ પૈસા વસુલતા હોય છે, જે પાલિકાની તિજોરીમાં જમા નથી થતા ક્લીન-અપ માર્શલ્સના ખિસ્સામાં રકમ જતી હોય છે.
તાજેતરમા જ સોશિયલ મીડિયા ટ્વીટર પર મેયર કિશોરી પેડણેકરને ટેગ કરીને એક જાગૃત મુંબઈગરાએ ફરિયાદ કરી હતી. તેની ફરિયાદ મુજબ કાંદિવલી(વેસ્ટ)માં 12 જાન્યુઆરીના એક વિદ્યાર્થીની બ્રિજ ચઢી રહી હતી. જોકે તેને બ્રિજ ચઢવા દરમિયાન શ્વાસ ચઢી જતા તેણે થોડા સમય પુરતો મોઢા પરથી માસ્ક હટાવ્યો હતો. માસ્ક વગરના લોકોને પકડીને તેમની પાસેથી પૈસા વસૂલવા ટાંપીને બેઠેલા ક્લીન-અપ માર્શલ્સે તેને પકડી હતી. વિદ્યાર્થીની પાસે દંડની રકમ ભરવા માટે પૂરતા પૈસા નહોતા. ભારે માથાકૂટ બાદ ક્લીન-અપ માર્શલે તેની સાથે તોડપાણી કરી હતી અને વિદ્યાર્થીનીને છોડી મૂકવા તેણે 160 રૂપિયામાં સેટિંગ કર્યું હતું. આ પૈસા લઈને તેણે રસીદ આપવાને બદલે સીધા તેના ખિસ્સામાં નાખ્યા હતા.
અરે વાહ! વોટ્સએપ પર મળશે મુંબઈ પાલિકાની 80થી વધુ સેવા સુવિધાની માહિતી; જાણો વિગત
જાગૃત નાગરિકે મેયરને ટેગ કરીને ફરિયાદ તો કરી હતી. પરંતુ પાલિકા પ્રશાસન અથવા મેયર તરફથી તેનો કોઈ જવાબ આવ્યો નહોતો. મુંબઈમાં હાલ મોટાભાગના વિસ્તારમાં ક્લીનઅપ માર્શલ્સ દ્વારા આવા જ ધંધા કરવામાં આવતા હોવાની અનેક વખત ફરિયાદો થઈ છે. અમુક વખતે નાગરિકો અને ક્લીનઅપ માર્શલો વચ્ચે મારામારી થઈને મામલો પોલીસ ચોપડે સુધી પણ ગયો છે.