ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે લોન્ચ કરેલી ‘ચલો ઍપ’ થી બેસ્ટની બસમાં મહિલાઓ માટે પ્રવાસ કરવું વધુ સુરક્ષિત થઈ જશે. આ ઍપમાં રહેલા ઈમરજન્સી એલાર્મ બટનને સંકટ સમયમાં દાબવાથી પોલીસ અને બેસ્ટના કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક મદદ મળી રહેશે. તેથી બસમાં પ્રવાસ દરમિયાન મુસીબતમાં રહેલી મહિલાને તરત મદદ પહોંચાડવી શકય બનશે. નવા વર્ષમાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સુવિધા ચાલુ થઈ જશે એવો દાવો બેસ્ટ પ્રશાસને કર્યો છે.
‘ચલો ઍપ’માં પ્રવાસી ટિકિટ, પાસ મેળવવાની સુવિધા છે. પ્રવાસીઓએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો હોવાનો બેસ્ટે દાવો કર્યો છે. અત્યાર સુધી 1,02,360 પ્રવાસીઓએ આ ઍપ મોબાઈલમાં ડાઉનલોડ કરી છે. તેમાં હવે મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે આ નવી સુવિધા જોડવામાં આવી છે. મહિલા પ્રવાસીની સુરક્ષા માટે આ ઍપમાં એલાર્મ બટન રાખવામાં આવ્યું છે. બટન દબાવવાની સાથે પોલીસ અને બેસ્ટના કંટ્રોલમાં તેની જાણ થશે અને ઍપની મદદથી બસ કયા છે ત્યાં તુરંત પોલીસ અને બેસ્ટના કર્મચારીને પહોંચવું શક્ય બનશે.