ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે મુંબઈમાં ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. ત્યાં ફરી મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. મુંબઈમાં મંગળવારે બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાયકોસિસનો 2022ની સાલમાં પ્રથમ કેસ નોંધ્યો છે. તેથી પ્રશાસન દોડતું થઈ ગયું છે.
પાલિકાના જણાવ્યા મુજબ ચેપગ્રસ્ત 70 વર્ષીય વ્યક્તિ છે. પાંચ જાન્યુઆરીના તેનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જાન્યુઆરીના તેનામાં બ્લેક ફંગસના ચેપના પ્રાથમિક લક્ષણો દેખાવાનું ચાલુ થયું હતું. ત્યારબાદ તેને તરત મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ દર્દીની સારવાર ચાલી રહી છે.
આર્થિક દેવામાં ડૂબેલી બેસ્ટને ફરી બેઠી કરવા BMC કરશે આટલા કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત
મે મહિનામાં, જ્યારે કોવિડ-19ની બીજી લહેર ચાલી રહી હતી, ત્યારે આરોગ્ય અને કુટુંબ બાબતોના મંત્રાલયે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ બ્લેક ફંગસને 'નોટિફાઈબેલ ડિસીઝ' તરીકે જાહેર કર્યો હતો. દેશમાં એક સમયે કોરોનાથી સાજા થયેલા 40,000 દર્દીઓમાં મ્યુકોરમાયકોસિસ જોવા મળ્યો હતો. તો મુંબઈમાં 741 કેસ નોંધાયા હતા.
મ્યુકોરમાયકોસિસ એ ફૂગ પ્રકારનો ચેપ છે, જે મુખ્યત્વે દવા લેતા લોકોને અસર કરે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ફૂગના બીજકણને હવામાંથી શ્વાસમાં લીધા પછી આવી વ્યક્તિઓના સાઇનસ અથવા ફેફસાંને અસર થાય છે અને જો કાળજી ન રાખવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. કાળી ફૂગ સાથે સંકળાયેલા લક્ષણો આંખો અથવા નાકની આસપાસ દુખાવો અને લાલાશ, તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઉલટી અને બદલાયેલ માનસિક સ્થિતિ છે.