News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીના પગલે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે ઓછી થઈ ગયેલી ભાયખલા ખાતેના રાણીબાગની આવક ફરીથી વધી છે. અહીં નવા પ્રાણીઓ દાખલ થયા પછી ફરીથી પર્યટકોની ગિરદી વધી રહી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ નવેમ્બરથી માર્ચના ત્રીજા અઠવાડિયા સુધી સાડા છ લાખ કરતા વધુ પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી છે. આ સમયગાળા દરમિયાન અઢી કરોડ રૂપિયા કરતા વધારે મહેસૂલ જમા થયું છે.
અહીં પેંગ્વિનના આગમન બાદ રાણીબાગનો મહેસૂલ અને પર્યટકોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. જોકે બે વર્ષ પછી આ સંખ્યામાં ઘટાડો થયો. એમાં માર્ચ 2020થી કોરોનાને કારણે રાણીબાગ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું. આ પછી નવેમ્બર 2021માં કોરોનાની બીજી લહેર ઓસરી ગયા પછી રાણીબાગ ફરીથી શરૂ કરવામાં આવ્યું. જોકે ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ફરીથી જાન્યુઆરી 2022માં રાણીબાગ એક મહિના માટે બંધ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :મુંબઈગરા તૈયાર રહેજો!! એપ્રિલથી પ્રોપર્ટી ટેક્સમાં આટકા ટકાનો થઈ શકે છે વધારો; જાણો વિગતે
હવે જયારે ફરીથી પ્રવાસીઓ માટે રાણીબાગના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હોવાથી પર્યટકોની સંખ્યા વધી રહી છે. પાંચ મહિનાના સમયગાળામાં 6 લાખ 77 હજાર કરતા વધારે પર્યટકોએ રાણીબાગની મુલાકાત કરી હતી. તેથી 2 કરોડ 69 લાખ 86 હજાર કરતા વધુ મહેસૂલ જમા થયું હોવાનું જણાઈ આવ્યું છે. મહાપાલિકાને અત્યાર સુધી વધુમાં વધુ સાડા પાંચ કરોડ રૂપિયાની વાર્ષિક આવક કોરોનાકાળ પહેલાં થઈ હતી.