ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત ૨૦ માળની ઈમારતમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિનાશક આગને લીધે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું વાદળ છવાઇ ગયું હતું. બંબાવાળા તત્કાળ ઘટનાસ્થળે પહોંચી અનેક રહેવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે બિલ્ડિંગના 18મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. શનિવારે સવારે ભભૂકી ઉઠેલી વિનાશક આગમાં 7 જણ જીવતા ભુંજાઇ ગયા હતા અને 30 રહેવાસીઓ જખમી થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.
હવે આ ઘટનાની તપાસ માટે ૪ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી તપાસની આગેવાની કરશે. જાે કે, BMC કમિશનરને ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે.