ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
માતૃભાષાની શાળામાં ઓછી સંખ્યા અને જર્જરિત મકાન હોવાની વાત વાલીવર્ગ કરતો હોય છે, જે કારણે વાલીઓનો મોટો વર્ગ પોતાના બાળકોને વિદેશી ભાષામાં ભણાવે છે, પરંતુ હકીકત તેનાથી વિપરીત છે. ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ સંચાલિત મુમ્બાદેવી મંદિર રત્નચંદ્રજી પ્રાથમિક શાળા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ શાળામાં લોકડાઉન દરમિયાન પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન શાળામાં ૨૪૬ વિદ્યાર્થિનીઓ હતી, જે સંખ્યા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ૨૬૪ થઈ હતી.

આ સંદર્ભે વધુ વાત કરતા શાળાના પ્રિન્સિપાલ રીટાબેને જણાવ્યું કે “અમારી શાળામાં વાલીઓ જ બીજા વાલીઓને લઈ આવે છે. માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી દ્વારા અમને ખૂબ ફાયદો થયો છે.” શાળામાં થતી વિવિધ એક્ટિવિટી પણ વાલીઓને આકર્ષે છે. શાળાના પ્રમોશન માટે શિક્ષકો સાકીનાકા, કુર્લા, ઝરીમરી, વાકોલા જેવા વિવિધ વિસ્તારમાં જઈ પેરેન્ટ્સ મિટિંગ પણ કરે છે. દૂરથી આવતા બાળકો માટે શાળાના શિક્ષકોએ સ્વખર્ચે બાળકો માટે બસની પણ વ્યવસ્થા કરી છે, જેથી શિક્ષણકાર્ય અવિરત ચાલતું રહે.

મરાઠા આરક્ષણ નો વિટો વળી ગયો, સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. જાણો વિગત.

શાળામાં બાળકોને અડધો કલાક વહેલા બોલાવી અંગ્રેજી, ગણિત અને વિવિધ જ્ઞાન રચનાવાદ આધારિત (એક્ટિવિટી બેઝ્ડ) શિક્ષણ આપવામાં આવે છે. આ માટે શાળામાં એક્ટિવિટીરૂમ પણ બનાવવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન વાલીઓની આર્થિક પરિસ્થિતિ કથળતા જરૂરિયાતમંદ બાળકોને દર બે મહિને રાશનની કિટ પણ આપવામાં આવી હતી. આ સાથે બાળકોને વર્કશીટ, ટેક્ષ્ટબુક પણ આપવામાં આવ્યા હતા.

એક દાતાની મદદથી હવે શાળાના નવ વર્ગખંડને ડિજિટલ ક્લાસરૂમમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. દર વર્ષે શાળામાં વુમેન્સ ડે પણ ઉજવવામાં આવે છે, તે દરમિયાન વાલીઓને પણ વિવિધ કાર્યો માટે સન્માનિત કરવામાં આવે છે, જેથી વાલીઓ પણ શાળાની પ્રવૃત્તિઓ સાથે જોડાય શકે.

ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા શાળામાં આધાર કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જે વિદ્યાર્થીનીઓના આધાર કાર્ડ ન હતા તેમને શાળામાં જ તે બનાવી આપવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓની સર્જનાત્મક સ્પર્ધા ખીલવવા શિક્ષકો સતત મથી રહ્યા છે. શાળાની વિદ્યાર્થીનીઓને રોટ્રેક ક્લબ ઓફ દેવનાર દ્વારા આયોજિત ઓનલાઈન ફેન્સીડ્રેસ સ્પર્ધામાં ઇનામ મળ્યું હતું. મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા રાષ્ટ્રીય સ્તરે આયોજિત સ્પર્ધામાં પણ આ શાળાની વિદ્યાર્થિનીઓને ઉત્તમ કૃતિ બદલ પારિતોષિક મળ્યું છે.
