News Continuous Bureau | Mumbai
Akademi Award Function : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો પારિતોષિક અર્પણ સમારંભ 21 માર્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો .
નર્મદ પારિતોષિક કવિ ભાગ્યેશ જહાને તથા મરાઠી ભાષાના કવિ નવલકથાકાર લક્ષ્મીકાંત તાંબોળીને આપવામાં આવ્યું હતું. વય અને સ્વાસ્થ્યને કારણે લક્ષ્મીકાંતજી હાજર રહી શક્યા ન હતા.એમના પુત્ર રવીન્દ્ર તાંબોળીએ પિતા વતી પારિતોષિક સ્વીકાર્યું હતું.

મંત્રી શ્રી એડવોકેટ આશિષ સેલારે સમારંભમાં ખાસ હાજરી આપી હતી.એમણે માતૃભાષા શીખવા પર ભાર મૂક્યો હતો અને ગુજરાતી તથા અન્ય ભાષા તથા એના સાહિત્યના મરાઠી ભાષાના સાહિત્ય સાથે આદાન પ્રદાન પર વિશેષ ભાર મૂક્યો હતો. એમણે જણાવ્યું હતું કે સાહિત્ય વ્યક્તિ અને સમાજને પ્રગલ્ભ બનાવે છે, સંવેદનશીલ બનાવે છે.

સાહિત્યનું જીવનગૌરવ પારિતોષિક કવિ પ્રફુલ્લ પંડ્યાને, કલાનું પારિતોષિક કલાકર્મી નિરંજન મહેતાને, પત્રકારત્વનું રમેશ દવેને અને સંસ્થાનું ગુજરાતી વિભાગ- એસ. એન. ડી.ટી. મહિલા વિદ્યાપીઠને એનાયત કરવામાં આવ્યાં હતાં. પુસ્તકોને અપાતા વાડ.મય પારિતોષિક રાજેશ રાજગોર, ઊર્મિલા પાલેજા, દેવયાની દવે, કામિની મહેતા, નીલા સંઘવી, નિરંજના જોશી, ડૉ. સરોજિની જિતેન્દ્ર તથા મેધા ગોપાલભાઈ ત્રિવેદીને અર્પણ કરવામાં આવ્યાં હતાં.

પુરસ્કાર અર્પણ વિધિમાં અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર સાથે અકાદમીના વરિષ્ઠ સભ્ય દીપક મહેતા, નવલકથાકાર વર્ષા અડાલજા, ભૂતપૂર્વ ધારાસભ્ય અતુલ શાહ, સંજીવ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યના મંત્રી ઍડ. આશિષ શેલારે બે પારિતોષિકો એનાયત કરી સાહિત્યના મહિમા કરતા વક્તવ્ય દ્વારા ભાવકોનું દિલ જીતી લીધું હતું. મંત્રીશ્રીને રજૂ કરતાં પહેલાં વિ.સ. ખાંડેકર, મંગેશ પાડગાંવકર અને વિંદા કરંદીકરને વાંચીને ગુજરાતીઓની બે પેઢી મોટી થઈ છે એ વાત સંજય પંડ્યાએ મૂકી હતી. સાહિત્ય આદાન પ્રદાનના કાર્યક્રમ તથા મરાઠી ગુજરાતી સાહિત્યના અનુવાદો પણ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગત બે વર્ષમાં કર્યા એનો ઉલ્લેખ એમણે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Zharukho: ‘ઝરૂખો ‘માં જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે ત્રણ વક્તાઓ વાત કરશે
કાર્યક્રમની શરૂઆતમાં કવિ અનિલ જોશી અને નવલકથાકાર રજનીકુમાર પંડ્યાની સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. કવિ અનિલ જોશીના નિબંધનું પઠન રાજુલ દીવાને કર્યું હતું તથા શ્રદ્ધા શ્રીધરાણીએ પ્રાર્થના અને બે ગીત રજૂ કર્યાં હતાં. સ્નેહલ મુઝુમદાર તથા ભાગ્યેશ જહાએ શાર્દૂલવિક્રીડીત છંદમાં જુગલબંધી કરી શ્રોતાઓને ખુશ કરી દીધાં હતાં.

કાર્યક્રમના સંચાલક તરીકે સંજય પંડ્યા, મુકેશ જોશી, ડૉ. ખેવના દેસાઈ, હિરેન મહેતા અને પ્રીતિ જરીવાલાએ ભૂમિકા નિભાવી હતી. અકાદમી સાથે સંલગ્ન સંસ્થાઓને નવાજવાના ઉપક્રમમાં લોકાયન, ભાયંદર કપોળ મંડળ, શિવાજી હૉલ, અલિકા મંચના પ્રતિનિધિઓનું તથા અમેરિકાસ્થિત લેખિકા સૂચિ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ સચિન નિંબાલકરે કરી હતી.

અકાદમી પ્રકાશિત દુર્લભ ગ્રંથ શ્રેણીના દસ પુસ્તકનો સેટ વિજેતાઓ તથા ઉપસ્તિત સર્જકો-પત્રકારોને ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. મુંબઈ તથા મુંબઈ બહારનાં સર્જકો, ભાવકોથી હૉલ ભરાયેલો હતો. અકાદમીની મહાસાહિત્ય યુટ્યુબ ચેનલ પર સમગ્ર કાર્યક્રમ ટૂંક સમયમાં જોઈ શકાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.