News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: પ્રેમની સુકુમાર અને શરબતી અનુભૂતિની અભિવ્યક્તિમાં એટલી જ તરલતા અને સરળતા જોવા મળે ત્યારે ભીતર આખું કુસુમિત બની જતું લાગે છે. બેફામ સાહેબની ( Befam Saheb ) કેફિયત જુઓઃ
મહોબ્બતમાં મને મારો જ આ સદ્ગુણ નથી ગમતો,
કહ્યું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મકરંદભાઈની આ ઈશ્યુ મિજાજી રજૂઆતની ચોટ પણ ખાવા જેવી છેઃ
તમે પૂછી રહ્યા છો કે તબિયત રંગમાં છે ને?
તબિયતથી જુઓ, કેવી મનની માંદગી આવી!
આદિલ મન્સુરીની ( Adil Mansoori ) દીવાનગીનું દર્દ મમળાવવા જેવું છે!
આદિલને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
ગની દહીંવાળાએ વહેતી લાગણીના ઝરણાને ગાતું કર્યું છે!
તમારી લાગણી વહેશે ઝરણું બની,
તો તણાશું અમે તેમાં તરણું બની!
શ્રી ચંદ્રકાંત શેઠ ( Chandrakant Seth ) પ્રેમમાં એકાત્મતાની વાતને કેટલી નજાકતથી મૂકે છેઃ
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને.
આ પણ વાંચો : Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…
અસીમ રાંદેરીએ ( Asim Randeri ) પ્રેમમાં એતબારની અગત્યને સલૂકાઈથી સમજાવી છેઃ
આપ મારા ધાસ છો, એનો મને વિશ્વાસ છે,
એટલા વિશ્વાસ પર હું શ્વાસ ભરતો જાઉં છું.
નિરપેક્ષ પ્રેમ બધું જ લૂંટાવી દે છે. એ વાતની નિરાળી પ્રસ્તુતિ જુઓઃ
એક જ કામ પ્રણયમાં કીધું,
લીધું એથી બમણું દીધું.
અને છેલ્લે, કવિ સુરેશ દલાલની ( Suresh Dalal ) ગીતપંક્તિ આગળ અટકીએઃ
રાત દિવસનો રસ્તો વહાલમ, નહીં તો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

Ashwin Mehta