News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: ભૂલોની ભૂલભૂલામણીમાં આપણે અટવાયા કરીએ છીએ. છતાં ભૂલોને માફ કરી દેનાર કેટલો ઉદાર અને દિલદાર છે! તુષાર શુક્લ ( Tushar Shukla ) ભૂલોના ભૂલનારાની અપરંપાર કરુણાને બિરદાવે છેઃ
આટલા જીવને આટલી ભૂલો, ભલનો ગૂંથ્યો હાર
શૂલ જેવી આ ભૂલનો, કેવળ તું જ કરે સ્વીકાર
ભૂલને ક૨શે માફ તું, એવું તેં જ દીધું વરદાન
તને દઉં હેતથી ઝાઝા માન, એવો તું એક જ છે ભગવાન
ક્યારેક કવિતામાં સર્જનહાર પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ થાય તો ક્યારેક વિનોદ ગાંધીની ( Vinod Gandhi ) માર્મિક ફરિયાદ હૃદયને વીંધી નાખે છેઃ
ગુલમ્હોર શો મ્હોર્યા કરું છું એટલે, જીવન ભરનો ઉનાળો તેં દીધો ને?
તેમના એક મુક્તકમાં વણાયેલી કેફિયત સાંભળોઃ
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા, એ લાગણીના ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી જોયું નહીં, મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા
પર્યાવરણ અને પ્રકૃતિનો વિનાશ કરીને જાડોપાડો થતો ‘વિકાસ’ કવયિત્રી હર્ષવી પટેલ ( Harshavi Patel ) પાસે અવળવાણી કઢાવે છેઃ
છાંયડા વાઢયા અને ડામર વધુ પથરાય છે, ગામ મારું એ રીતે સમૃદ્ધ થાતું જાય છે!
બીજી એક રચનામાં આ કવયિત્રીનો વિષાદ વાંચવા જેવો છેઃ
સામ્રાજ્ય વિસ્તર્યું પણ લાગે છે ફોક જેવું, હાર્યા નથી પરંતુ જીત્યાં અશોક જેવું
કેવી રીતે લખાશે સુખનો કહો, શિલાલેખ? કુદરતના હાથમાં છે ડસ્ટર ને ચોક જેવું
જો તું મને જ શોધે મારામાં તો મળું હું, મારાથી નહીં થવાશે બીજા જ કોક જેવુ
આ પણ વાંચો : Gujarati Sahitya: યાદ કરું છું ગોકુળને
કવયિત્રી રિન્કુ રાઠોડ ( Rinku Rathod ) (શર્વરી)નો સાવ નોખો મિજાજ અને અનોખો અંદાજ જુઓઃ
વાત જ્યારે પણ અમારી નીકળે, બસ કલમ-કાગળ-ખુમારી નીકળે
તેમની એક બીજી રચના નારીની આગવી ઓળખને ધારદાર અભિવ્યક્તિ આપે છેઃ
દરિયો મૂકીને રણ તરફ વહેતી નદી–એ હું હતી, નોખો જ ચીલો ચાતરી આગળ વધી- એ હું હતી
માથે પડી છે વીજળી ને આંખમાં મોતી ઘણા, હું એટલે કહેતી નથી ગંગાસતી – એ હું હતી
આહત મને કરશો અગર તાંડવ થવાનું છે ફરી, કૂદી હતી જે યજ્ઞવેદીમાં સતી- એ હું હતી
છેલ્લે, રિન્કુ રાઠોડની વધુ એક રજૂઆતનો રોમાંચ માણોઃ
ગમે તે થાય, એકલતા જ હરદમ સાથ આપે છે, જમાનો જિંદગીભર નિતનવા આઘાત આપે છે
બધી ભીનાશનો આધાર કુદરત પર નથી હોતો, નયન ક્યારેક તો વરસાદને પણ મા’ત આપે છે…

Ashwin Mehta