News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: એકાન્તનો ઉત્સવ ઊજવી શકાય પણ એકલતાનો અભિશાપ જિરવી નથી શકાતો. એટલે જ દીક્ષિતા શાહ ( Dikshita Shah ) લખે છેઃ
હૃદયના કોડિયામાં યાદનું ઇંધણ ભરું, એ બાદ
દીવો બળતો રહે ને રાતભર ઝળકે છે એકલતા…
જગતભરની વ્યથા ટોળે વળી છે મંદિરે તેથી
શિખર પરની ધજામાં એકલી ફરકે છે એકલતા…
માણસ પોતાની વાહવાહીનો કેટલો મોહતાજ હોય છે! પોતે લાખો રૂપિયાનો ધૂમાડો કરીને, સંસ્થાને નામે પોતાના ગળામાં જયમાળા પહેરીને મહાલનારાની આ દુનિયામાં ખોટ નથી. ભાવિન ગોપાણીની ( Bhavin Gopani ) વાતમાં વ્યંગ અને વ્યથાની જુગલબંધી જુઓઃ
અરીસાનો ભરો દરબાર, તમને કોણ રોકે છે? કરાવો ખુદનો જયજયકાર, તમને કોણ રોકે છે?
પ્રથમ સૌને વિચારો શત્રુતાના ભેટમાં આપો, પછી વેચ્યા કરો હથિયાર, તમને કોણ રોકે છે?
જાતને જાણવાની અને નાણવાની કવિની પોતીકી રીતરસમ છે, ગૌરાંગ ઠાકરની ( Gaurang Thacker ) આ નુકતેચીની આત્મ નિરીક્ષણનો અવસર પૂરો પાડે છેઃ
કોઈની નજદીક આવ્યા છો પરંતુ આટલા, તાપવું કે દાઝવું છે એટલું નક્કી કરો…
રોજ વધતી વય, શરીરી ધર્મ છે મંજૂર પણ, મોટા કે ઘરડાં થવું છે એટલું નક્કી કરો.
હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે? આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો…
આ પણ વાંચો : Gujarati Sahitya: સાચું બોલ્યો તો વગોવાઈ ગયો, જૂઠ કહેતાં પકડાઈ ગયો!!
ઉન્નતિ અને પતન, પ્રગતિ અને અધોગતિ, આરોહણ અને અવરોહણ એક સિક્કાની બે બાજુઓ છે, રઇસ મણિયારની ( raeesh maniar ) સોનેરી શીખ કાને ધરવા જેવી છેઃ
ક્ષણભર ભલે ગગનમાં વિહરવાનું હોય છે, આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે.
ચઢતાં ચઢી જવાય છે ઊંચાઈઓ ઉપર, ભૂલી જવાય છે કે ઉતરવાનું હોય છે..
જિંદગીની આ રમત-ગમત કેવી અટપટી છે! હાર-જીતના લેખાંજોખાં કોણ કરે? કિરીટ રાઠોડને ( Kirit Rathod ) કાન દઈને સાંભળોઃ
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ…
હું રહેવાસી પથ્થરનો ને તારું સરનામું ઝાકળ, ચાલને રમીએ પળ બે પળ…
છેલ્લે, શ્રીકૃષ્ણની ( Shri Krishna ) વેદનાને દિલીપ રાવલે ( Dilip Rawal ) ચોટડૂક વાચા આપી છેઃ
આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે, એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને
આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે? નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને…

Ashwin Mehta