News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: શેકસપિયરના ( Shakespeare ) નાટક કિંગ લીયરમાં રાજા લીયર પ્રજ્ઞાચક્ષુ ગ્લોસ્ટરને પ્રશ્ન પૂછે છેઃ તું જગતને કેવી રીતે જુએ છે? ત્યારે ગ્લોસ્ટર ઉત્તર આપે છેઃ I see it feelingly, હું જગતને સંવેદનશીલતાથી જોઉં છું. ચાર્લી ચેપ્લીને ( Charlie Chaplin ) કહ્યું કે આપણે બુદ્ધિથી વધુપડતું જીવીએ છીએ અને હૃદયથી નહીંવત્… યંત્રો અને ટેકનોલોજીએ ( Technology ) આપણને મિકેનીકલ બનાવી દીધાં છે. યંત્રોથી વિશેષ તો આપણને માનવતાની જરૂર છે. ચાલાકીથી વધારે આપણને દયા અને વિનમ્રતાની જરૂર છે. આ સદ્ગુણો વિના જીવન હિંસક બની જશે અને આપણો સર્વનાશ થશે. . ગાંધીજીએ ( Gandhiji ) કહ્યું હતુંઃ યંત્રમાં પ્રેમનું તેલ ઉજીએ તો સૌ રૂડા વાના થાય. યંત્રો અને ટેકનોલોજીએ ઊભી કરેલી ઘરેડ અને ઘેલછા ઘાતક બની જાય છે. સંવેદનશૂન્યતાનો શાપ માણસાઈના નિકંદનનું કારણ બને છે. બ્રિજેશ પંચાલ ( Brijesh Panchal ) લખે છેઃ
વેદનાનાં કેટલાં વાદળ મળે છે,
આંખમાં વરસાદ થઈ ત્યારે પડે છે.
ભૂખના માર્યા ગરીબ ત્યાં મોત પામે,
ખાઈ ખાઈને અહીં લોકો મરે છે.
આવી ધબકતી હમદર્દી જ આપણને માણસ હોવાની પ્રતીતિ કરાવે છે. કવિએ સાચું જ કહ્યું છેઃ
ઘણી શોધ કરી શ્લોક ને સ્તુતિમાં
પણ ઈશ્વર આખરે મળ્યો સ્નેહ ને સહાનુભૂતિમાં.
માનવીય સંબંધોમાં પડેલી તિરાડ આપણને કેટલાં વિભાજિત કરી મૂકે છે! એટલે જ અનિલ ચાવડાની ( Anil Chavda ) વજનદાર રજૂઆતને દાદ દેવી પડેઃ
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યાં છીએ
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યાં છીએ
હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યાં છીએ.
માણસ Social થતો જાય છે પણ Emotional મટતો જાય છે, મહેશ દાવડકરની ( Mahesh Davdkar ) વાતનો મર્મ સમજવા જેવો છેઃ
આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાંથી ક્યાં મળાયું સો ટકા!
વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા!
કોઈએ મજાકમાં વહેતી મૂકેલી વાતમાં વજુદ છે.
પત્ર શું લખ્યો માનવતાના સરનામે..
ટપાલી જ ગુજરી ગયો, ઘર શોધતાં શોધતાં..
આ પણ વાંચો : Gujarati Sahitya: કરું છું ખેતી કોરા કાગળે, લઈ આંખમાં પાણી.
અનિલ ચાવડાએ ચોટદાર વાત કહી છેઃ
એક માણસ નામની ફૂટી છે શીશી
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની…
આપણી અંદરના કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, સત્ય અને અસત્ય વચ્ચેનું ધમસાણ હેમંત પૂણેકરે ( Hemant Punekar ) વ્યક્ત કર્યું છેઃ
દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો,
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો.
સાચું બોલ્યો તો વગોવાઈ ગયો,
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો.
છેલ્લે, ડૉ. કેતન કારિયાની આ સોનેરી શીખ ગાંઠે બાંધી લઈએઃ
બને તો અકારણ દુઆ પણ ન માગો,
મહેનત મુજબ જે મળે, એ ઘણું છે…
ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો
ફક્ત જૂઠ અટકે ગળે, એ ઘણું છે.

Ashwin Mehta