News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: વિક્રમના નવા વર્ષનું હૈયાના હુલાસથી સ્વાગત કરીએ અને વહી ગયેલા સમયના ઉઝરડાઓ ૫ર નવોર્મિઓનો મલમપાટો કરીએ. સુરેશ વિરાણીની ( Suresh Virani ) આ સલૂણી પંક્તિઓનું સ્મરણ થાય છેઃ
જૂના વર્ષની વિદાય હો, નવા વર્ષની વધાઈ હો,
હૈયું લીલું રાખી, થોડા છાંયડા ઊગાડીએ,
માટી સાથે માટીની આ એટલી સગાઈ હો…
એક તરફ ચોમેર કોરોનાસુરના કાળપંજામાંથી છૂટા થવાના ધમપછાડા, બીજી બાજુ આતંકવાદની ( terrorism ) ફેલાતી જતી અગનજવાળા અને ત્રીજી તરફ આસમાની-સુલતાની આફતોની વણઝાર હોય ત્યારે પ્રજ્ઞા વશીનો આશાવાદી અભિગમ તરણોપાય બની રહે છેઃ
ઉઘડે બારી નવી એ રાહ જોઈ બેઠી છું, સાવ નોખું સ્વપ્ન મારી આંખે પ્રોઈ બેઠી છું.
યુધ્ધ ના હો ભીતરે, પ્રગટે નહીં કોઈ અગન, એક શાંતિયુગના મંડાણ જોઈ બેઠી છું…
પણ તેમ છતાં, કવિ મુકુલ ચોક્સીની ( Mukul Choksi ) આ વ્યથા આપણા સહુની કથા બની જાય છેઃ
ફાડી નથી શકાતું પાનું વિીત્યા વરસનું, મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું…
આ પણ વાંચોઃ Gujarati Sahitya: તું તારા દિલનો દીવો થાને…
વૈશ્વિક મહામારીએ ( Global epidemic ) નવા બોધપાઠ ભણાવ્યા છે. જીવનની નશ્વરતાને છતી કરીને માનવના ઘમંડને ચકનાચૂર મમત્વ અને માલિકીભાવે સર્જેલી સંકુચિતતાનો નિર્મમતાથી પર્દાફાશ કર્યો છે.
કર્યો છે. નીતિન પારેખની ધારદાર રજૂઆતમાં એનો પડધો ઝિલાય છેઃ
મારી પાસે બહુ નોટો છે, એ ફાંકો બિલકુલ ખોટો છે.
આખો દરિયો ક્યાં છે તારો? તારો તો એક લોટો છે.
નાહકનો તું ફુલાય છે, પણ તું તો કેવળ પરપોટો છે.
કેટકેટલાં રૂપ ધરે તું, ક્યાંય ન તારો જોટો છે…
એટલે મનહર ચોક્સીનું ( Manhar Choksi ) મનોગત સમજ્યા જેવું છેઃ
હું તો મારા હું ને કહું છું, ભાગ અહીંથી ભાગ, હું તો મારા મનને કહું છું, માર, મમતને માર.
દુનિયાના અનેક રંગો છે, વિવિધ મિજાજો ને જાતભાતના અવાજો છે. એક ઉંમરે આખી દુનિયા બદલી નાખવાના ઓરતા ને મનસૂબા રાખનારો માણસ, પોતેજ કેવો બદલાઈ જાય છે એ કવિ ઉમાશંકર જોશીની ( Umashankar Joshi ) અભિવ્યક્તિમાં અદલોઅદલ અનુભવાય છેઃ
અહો નાનારંગી અજબ દુનિયા, શેં સમજવી? તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી…
આખરે તો પડતા આખડતા કૂટાતા માણસને બેઠો કરવાનો કીમિયો કવિતા કને છેઃ શૈલેન રાવલ કહે છેઃ
ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો, કોણ કોનો છે ગુરૂને કોણ ચેલો?
મન પછી સોળે કળાએ ખીલશે, જો દાયકાથી બંધ છે તે ખોલ ડેલો…
છેલ્લે, મહનર ચોક્સીની મધમીઠી સલાહને સહુ ગાંઠે બાંધી લઈએઃ
આપણે માથે જ ઈશ્વર રાખીએ, વૃક્ષની લીલાશમાં ઘર રાખીએ
રાસલીલા હોઠ પર રમતી રહે, જો હૃદયમાં માત્ર ગિરધર રાખીએ..

Ashwin Mehta