ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
આ વાત છે એક એવા સંગીતના સિતારાની જેણે જૂનાં ભજનોને નવા મ્યુઝિક સાથે પ્રસ્તુત કરી યુટ્યુબ પર એવી ધૂમ મચાવી છે કે વયોવૃદ્ધ સહિત યુવાનો પણ હવે ભજનોના રંગમાં રંગાઈ ગયા છે. આ વ્યક્તિ છે નંદલાલ છાંગા, જેમણે યુવાનોને પણ ભજન અને લોકગીત સંભાળતા કરી દીધા છે. હાલ તેમની યુટ્યુબ ચૅનલ પર હાલ ૧.૫૯ લાખ સબસ્ક્રાઇબર અને ૨.૯ કરોડ વ્યૂઝ છે.
મૂળ કચ્છના નંદલાલ છાંગાની વિશેષતા એ છે કે તે પોતે ગીત લખે, કમ્પોઝ કરે છે અને કર્ણપ્રિય રીતે તેને પ્રસ્તુત પણ કરે છે અને બીજી મહત્ત્વની વાત એ કે તેમણે સંગીત શીખ્યું નથી. તેમણે રંગરાસ, ઓ યાર, ઓ યાર અગેઇન, ભાઈબંધી તારી મારી, રમજો રમજો જેવાં ગીત લખ્યાં છે. આ તમામ ગીતોને પણ યુટ્યુબ પર ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને લાખોમાં વ્યૂઝ મળ્યા છે.

નંદલાલ છાંગાએ સપ્ટેમ્બર ૨૦૧૭માં શરદ રાગ ગીતથી યુટ્યુબ પર શરૂઆત કરી હતી. નવા વર્ઝનમાં આવેલું આ કાનુડાનું ગીત જોતજોતામાં ખૂબ જ ફૅમસ થઈ ગયું હતું. તેમનું એક ગીત રાધારાણી જે પ્રચલિત ભજન છે, એને અભૂતપૂર્વ પ્રેમ મળ્યો હતો અને 1.8 કરોડ વ્યૂઝ મળ્યા હતા. આ ઉપરાંત દાણ લીલા, વ્રજરાસ, મટકી ફોડે, જુલણ મોરલી, શ્યામ દેખા, નંદ ઘેર આનંદ, રાધા રમણ, દેવી આશાપુરા અને હાલમાં જ રિલીઝ થયેલું ગીત બાંકે બિહારી જેવાં વિવિધ ગીતોથી દર્શકોનું મન મોહી લીધું છે.
નંદલાલ છાંગાએ ટેક્સટાઇલમાં MBA કર્યું છે. એથી તે ગીતનું શૂટિંગ કરતી વખતે કૉસ્ચ્યુમ અને સેટ ડિઝાઇન ઉપર પણ ખૂબ ભાર આપે છે. તેમણે પોતાનો માધ્યમિક અભ્યાસ સ્વામી નારાયણ ગુરુકુળમાં કર્યો હતો, જ્યાં તેમને ભજનનો અદભુત વારસો મળ્યો હતો. તે સ્કૂલ અને કૉલેજના ફેસ્ટિવલમાં પણ ગાયન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા અને એક મિત્રના સૂચન પર યુટ્યુબ પર એન્ટ્રી કરી હતી. હવે તેઓ ગાના, જીઓ સાવન, સ્પોટિફાય જેવા વિવિધ મ્યુઝિક પ્લૅટફૉર્મ પર પણ વેરિફાઇડ સિંગર છે.

આ સંદર્ભે વાત કરતાં નંદલાલ છાંગાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે "હું સંગીત શીખ્યો નથી, પરંતુ હું જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે મારાં માતા આ ગીતો સાંભળતાં અને ગાતાં ત્યાંથી મને આ વારસો મળ્યો છે." આગામી સમયમાં પણ નંદલાલભાઈ આવાં જ ઉત્તમ ભજનો મૂકવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે હવે તેઓ એન લેબલ નામથી કંપની શરૂ કરવાના છે, જેમાં આધ્યાત્મિક ગીતો સિવાયની તેમની બીજી રચનાઓ પણ તે યુટ્યુબ ચૅનલ પર મૂકશે.