News Continuous Bureau | Mumbai
Rakhi Mela 2023 : અમરોલી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસમાં રહેતા એમ.એ.,બી.એડની પદવી ધરાવતા સુનિતાબેન કાપડિયાએ શિક્ષકની નોકરી છોડી લઘુ ઉદ્યોગ શરૂ કર્યો હતો, જેમાં તેમણે પાડોશની અને સ્થાનિક વિસ્તારની ૧૦ મહિલાઓ સાથે મળી ‘દુર્વા સ્વ-સહાય જુથ’ની રચના કરી હસ્તકલાના માધ્યમથી આત્મનિર્ભર બન્યા છે. આ મહિલાઓ વિવિધ વસ્તુઓની બનાવટનો લઘુ ઉદ્યોગ શરૂ કરીને આર્થિક આધાર મેળવી રહી છે. સાથોસાથ પોતાના પરિવારને પણ આજીવિકામાં સહાયરૂપ બની રહી છે.
પ્રત્યેક મહિલા મહિને અંદાજે રૂ.૩ થી ૪ હજારની કરે છે કમાણી
કતારગામ, સિંગણપોર ખાતે મહિલા સ્વસહાય જૂથોના ઉત્થાન માટે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલા ‘રાખી મેળા’-૨૦૨૩’માં પોતાના સખીમંડળ નિર્મિત રાખડીઓનું વેચાણ કરતાં ૪૫ વર્ષીય સુનિતાબેન કાપડિયાએ જણાવ્યું હતું કે, દસ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ નિભાવ્યા બાદ થયું કે સ્વરોજગારી કરીને પગભર બનવું છે. જેથી ઘરની નજીકની ૧૦ મહિલાઓને સમજ આપી દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળ-સ્વ સહાય જુથ બનાવ્યું. સાથી મહિલાઓને હસ્તકલાથી બનતી વિવિધ વસ્તુની બનાવટ વિશેની તાલીમ અપાવી. ત્યારબાદ દર મહિને દરકે મહિલાએ રૂ.૫૦૦ જમા કરી બજારમાંથી રો-મટિરીયલ લાવી વિવિધ વસ્તુઓ જેવી કે, રાખડી, નેકલેસ, બેલ્ટ, ઝુમ્મર, બુટી, તોરણ, હિંચકાની દોરી, પગ લુછણિયા જેવી ગૃહોપયોગી ચીજો બનાવી બજારમાં વેચાણ કરવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે અમારી પ્રવૃત્તિને વેગ મળ્યો અને જૂથની પ્રત્યેક મહિલા મહિને અંદાજે રૂ.૩ થી ૪ હજારની કમાણી કરતી થઇ છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi In Greece : PM મોદીને મળ્યું ગ્રીસનું બીજું સૌથી મોટું સન્માન, વડાપ્રધાને માન્યો આભાર..
રાખડીનો સ્ટોલ ઉભો કર્યો
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ સુરત એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે પણ મંડળ દ્વારા બનાવેલી રાખડીનો સ્ટોલ ઉભો કર્યો છે, જ્યાં દેશભરથી આવતા લોકો પણ રાખડીની ખરીદી કરી રહ્યાં છે, જેનાથી અમારી બહેનોને રોજગારીના અવસરો મળી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મહિલા સ્વસહાય જૂથોને સહાયરૂપ થતી યોજનાઓ વેગવંતી બનાવી હોવાથી અમને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે, એમ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.