ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
આ વાત છે એક એવી ગૃહિણીની જેણે સ્ત્રીની લાગણીઓ વિશે લગભગ ૫૦૦ જેટલા લેખ લખ્યા છે અને હવે એનું યુટ્યુબ પર ચિત્રીકરણ કરવાનું છે. ઘાટકોપરમાં રહેતાં અને ઘાટકોપરની જ એસ.પી.આર. જૈન ગુજરાતી શાળામાં ભણેલાં હેતલબહેન મહેતાએ હવે પોતાના સ્ત્રીના હૃદયમાં ધબકતાં સ્પંદનો પર લખેલા લેખોને યુટ્યુબના માધ્યમે વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવા મથી રહ્યાં છે.
હેતલબહેને આ લેખો ઉપરાંત બે ગીતો પણ લખ્યાં છે અને એને પોતાની યુટ્યુબ ચૅનલ રુહાની પર પણ મૂક્યાં છે. હેતલબહેન સ્પોન્ટેનિયસ લેખિકા છે એટલે કે આપેલા કોઈપણ વિષય પર તરત જ લેખ અને કાવ્યો લખી શકે છે. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં પણ તેમની કૃતિઓ વિજેતા તરીકે પસંદગી પામી છે.
હકીકતે પોતાના શાળાકીય અભ્યાસ દરમિયાન શાળામાં જ આયોજિત પબ્લિક સ્પીકિંગની વર્કશૉપમાંથી તે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરતાં શીખ્યાં હતાં અને ત્યાર બાદ તેમને ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ પડવા લાગ્યો હતો અને તેમણે લખવાની શરૂઆત કરી હતી.
આ સંદર્ભે વાત કરતાં હેતલબહેને ન્યુઝ કન્ટિન્યુઝ કહ્યું કે,“મારા લેખનકાર્યમાં અને તેના ચિત્રીકરણમાં મને પરિવારનો પૂરો સહકાર મળ્યો છે.” તેઓ પોતાના આ લેખોને વાચકો સુધી ડિજિટલ રીતે જ પહોંચાડવા ઇચ્છે છે અને એ માટે પ્રગતિના પંથે છે.
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરની જાણીતી ગુજરાતી શાળામાં એસ.પી.આર. જૈન કન્યા શાળાની આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની આજે પણ પોતાની શાળા સાથે સંકળાયેલી છે અને શાળાના કાર્યક્રમ માટે દર વર્ષે બાળકોને પોતાના અનુભવથી વિવિધ કલાઓ પણ શીખવે છે.