Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ

સફળતાની સ્વાદભરી સફર: પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ. ૧૨ લાખથી વધુની કમાણી

by aryan sawant
Women Empowerment Gujarat સુશાસનથી સશક્તીકરણ આત્મનિર્ભ

News Continuous Bureau | Mumbai

Women Empowerment Gujarat સફળતાની સ્વાદભરી સફર: પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ. ૧૨ લાખથી વધુની કમાણી*

• *આત્મનિર્ભરતાની નવી પાંખો: બનાસકાંઠાના તેજલબેન ખેતીમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરી રહ્યાં છે ૮૦ હજારથી વધુની કમાણી*
• *આકાશે ઉડતા ડ્રોન સાથે હાથમાં સ્વાદનો વારસો: ગુજરાતની મહિલાઓ બની છે ‘લખપતિ અને ‘ડ્રોન દીદી’*

સુશાસન અને ‘મિશન મંગલમ’ જેવા ગુજરાત સરકારના અભિયાનોએ ગ્રામીણ સ્તરે નવો સામાજિક અને આર્થિક ઇતિહાસ આલેખ્યો છે. આજે મહિલા સશક્તીકરણ માત્ર કાગળ પરનો દસ્તાવેજ નથી, પરંતુ ખેતરના શેઢે ઉડતા ડ્રોન અને બજારની દુકાનોની જીવંત વાસ્તવિકતા છે. ‘નમો ડ્રોન દીદી’ થી લઈને ‘લખપતિ દીદી’ સુધીની આ સફર એ વાતની સાબિતી છે કે, જ્યારે નારીને યોગ્ય તક, તાલીમ અને ટેકનોલોજીનું પીઠબળ મળે ત્યારે, તે ઘરના ઉંબરા વટાવી આખું આકાશ જીતવાનું સામર્થ્ય ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમલી અનેક મહિલાલક્ષી યોજનાઓના ફળસ્વરૂપે પંચમહાલથી લઈને બનાસકાંઠા સુધીની મહિલાઓ આજે સફળતાના શિખરો સર કરી રહી છે. આ જ સુશાસનનો સાચો વિજય છે, જેણે દરેક મહિલાને સશક્ત, સક્ષમ અને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવીને રાષ્ટ્ર વિકાસનું અભિન્ન અંગ બનાવી છે.

*લખપતિ દીદી: આંકડો નહીં, પણ આત્મવિશ્વાસ*

સરકારના પ્રોત્સાહક પ્રયાસો અને મિશન મંગલમ જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ મહિલાઓના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પંચમહાલ જિલ્લાના કલ્પનાબેન રાઠોડ છે. કલ્પનાબેન વર્ષ ૨૦૧૮માં મિશન મંગલમ અંતર્ગત ‘શ્રી ગણેશ મહિલા મંડળ’ સાથે જોડાયા અને ત્યાંથી શરૂ થઈ તેમની સ્વાદભરી સફળતાની સફર. ઘરેલું નાસ્તો તૈયાર કરીને કલ્પનાબહેન ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને પણ સાર્થક કરી રહ્યાં છે.

તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાની દિશામાં ડગ માંડ્યા. સરકાર દ્વારા સંચાલિત RSETI સંસ્થામાંથી ફાસ્ટ ફૂડની તાલીમ મેળવીને તેમણે કૌશલ્યની સાથે આત્મનિર્ભર બનવાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો. મહિલા સશક્તીકરણને વેગ આપવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય જેવી કે રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને બેંક દ્વારા મળતી કેશ ક્રેડિટ લોન કલ્પનાબેન જેવા અનેક સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આ સુવિધાની મદદથી તેમણે કેન્ટીન, કેટરિંગ અને થેપલાં બનાવવાનો વ્યવસાય વિકસાવ્યો, જેના થકી તેઓ વાર્ષિક રૂ. ૧૨.૫૬ લાખની આવક મેળવી રહ્યા છે. રાજ્ય સરકારે ‘સરસ મેળા’ જેવા રાજ્યસ્તરના પ્લેટફોર્મ પૂરા પાડીને મહિલાઓના હુન્નરને સ્થાનિક બજારો સુધી પહોચાડ્યું છે.

*ઘરેલુ નાસ્તો બન્યો આત્મનિર્ભરતાની સ્વદેશી બ્રાન્ડ*

આજે કલ્પનાબેન માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહીં, પરંતુ ‘લખપતિ દીદી’ તરીકે સમાજમાં નવી ઓળખ ધરાવે છે. તેઓ સ્વસહાય જૂથના પ્રમુખ અને ગ્રામ સંગઠનના સચિવ તરીકે નેતૃત્વ સંભાળીને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહ્યા છે. આમ, સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ અને સહકારથી ગ્રામીણ સ્તરે મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે વધુ સશક્ત બની રહી છે.

*નમો ડ્રોન દીદી: આકાશને આંબતી આત્મનિર્ભરતા*

જેના હાથમાં ડ્રોનનું રિમોટ અને હૈયામાં આત્મનિર્ભરતાનો સંકલ્પ છે, તેવી આજની આધુનિક નારી હવે માત્ર ઘર નથી ચલાવતી, પણ રાષ્ટ્ર વિકાસમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું બનાસકાંઠાની એ દીકરીની જે આકાશમાં ડ્રોન ઉડાડવાની સાથે તેના સપનાઓને પણ પાંખો આપી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના તેજલબેન ઠાકોરની સફર આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. બી.એ. સુધીનો અભ્યાસ કરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા તેજલબેન ‘મિશન મંગલમ’ યોજના હેઠળ સદારામ સખી મંડળમાં જોડાયા, જ્યાં તેમને આધુનિક કૃષિ ટેકનોલોજી એટલે કે ડ્રોન વિશે માહિતી મળી. રાજ્ય સરકાર અને ઇફકો (IFFCO) ના સહયોગથી પુણે ખાતે ૧૫ દિવસની તાલીમ મેળવી, તેમણે DGCAના નિયમો મુજબની પરીક્ષા પાસ કરી સત્તાવાર ‘ડ્રોન પાયલોટ’નું લાયસન્સ મેળવ્યું. આજે તેઓ આધુનિક ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ખેતીમાં નવીન પરિવર્તન લાવી રહ્યા છે.

પરંપરાગત ખેતીને આધુનિકતા સાથે જોડી તેજલબહેને ડીસા તાલુકાના વિવિધ ગામોમાં એરંડા, વરિયાળી અને ઘઉં જેવા પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અત્યાર સુધીમાં રૂ. ૮૦,૦૦૦થી વધુની આવક મેળવી છે. “ડ્રોન દીદી” તરીકે નવી ઓળખ પામેલા તેજલબેન જણાવે છે કે, સરકારના પ્રોત્સાહન અને તાલીમથી જે ટેકનોલોજી વિશે ગામમાં કોઈને ખબર નહોતી, આજે તે જ ટેકનોલોજી તેમની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બની છે. આમ, રાજ્ય સરકારના સુશાસન અને મહિલા ઉત્કર્ષના પ્રયાસોથી ગ્રામીણ મહિલાઓ માત્ર ઘરના ઉંબરા સુધી મર્યાદિત ન રહેતા આત્મનિર્ભર બની પોતાના અને પરીવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો

ગુજરાત સરકારના સુશાસન અને મહિલા સશક્તીકરણના અભિગમ હેઠળ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. આજે ગામડાની મહિલા જ્યારે ખેતરના આકાશમાં ડ્રોન ઉડાડે છે અથવા પોતાના નાના ઉદ્યોગ થકી વર્ષે લાખોની કમાણી કરે છે, ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તીકરણનો સાક્ષાત્કાર થાય છે.

આમ, રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર અને ગ્રામીણ મહિલાઓના અટલ મનોબળને કારણે આજે ગુજરાતની નારીશક્તિ આર્થિક રીતે સદ્ધર બની રહી છે. મિશન મંગલમ અને ડ્રોન દીદી જેવા રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા તેમને માત્ર આવક જ નહીં પરંતુ સમાજમાં એક નવી ઓળખ અને ગૌરવ થકી સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ થઈ રહી છે.
ઋચા રાવલ

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More