૭મી જૂન: પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત

કાંકરિયા, અમદાવાદ દેશનું સૌપ્રથમ FSSAI માન્ય "ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ":રાજ્યમાં હાલ ૮ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ

by Akash Rajbhar
World Food Security Day Gujarat living the mantra of 'Swachh Anna Swasht Jan

News Continuous Bureau | Mumbai
સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યું છે. તીવ્ર ગતિએ વિકાસ પામી ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે ત્યારે છેવાડાનો માનવી સ્વસ્થ રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ના મંત્રને સાકાર કરી રહી છે. રાજ્ય સરકારનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાદ્ય એકમો અને તેમાં કામ કરતા લોકોની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ભેળસેળવાળા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ/ઉત્પાદકો સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. ઉપરાંત ફૂડ પોઈઝનિંગના જોખમ અંગે નાગરિકોને શિક્ષિત કરી તેને રોકવા માટે સક્ષમ બનાવવા જેવા જન આરોગ્યલક્ષી પગલાં ભરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: આ મહિનામાં જ પૂર્ણ કરવા પડશે આ 4 મહત્વના કામ… ચૂકશો તો થશે મોટી મુશ્કેલી, 30 જૂન છે અંતિમ તારીખ!

દૂધ, ખાદ્ય તેલ, મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો,મિનરલ તથા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, પાન મસાલા, ગુટખા, કન્ફેક્શનરી, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકો અને વેચાણ કર્તાઓ પર આખું વર્ષ ચાંપતી નજર રાખવામાં આવે છે. ઉપરાંત ઉનાળામાં ઠંડા પીણા, ફળોના રસ, મેંગો જ્યુસ (મેન્ગો મિલ્ક શેક), આઈસ્ક્રીમ, આઈસ કેન્ડી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.

સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યાં છે. ફૂડ સેફટીના ઓવરઓલ પરફોર્મન્સ ના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્લાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત છેલ્લા ચાર વર્ષથી અગ્રીમ સ્થાન મેળવતું આવ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના પ્રયત્નોને કારણે આજે ખેડૂતો, ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, રસોઈયાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રાહકોમાં ખાદ્ય સુરક્ષા વિશે જાગૃતિ વધી રહી છે. શેરીઓ/ચોપાટીઓમાં સ્થાનિક રાંધેલો ખોરાક સામાન્ય માણસ વધુ આરોગતો હોય છે ત્યારે આ ખોરાક સ્વચ્છ અને સલામત હોવો ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાંકરિયા, અમદાવાદમાં આવેલ ખાણીપીણી બજારના વેપારીઓને તાલીમ આપવામાં આવી. પરિણામે દેશનું સૌપ્રથમ FSSAI માન્ય “ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ” બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હાલમાં ગુજરાતમાં ૮ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ આવેલા છે જ્યાં નાગરિકો સ્વચ્છ અરોગ્યપ્રદ ખોરાક આરોગી રહ્યા છે અને સ્થાનિકો રોજગારી મેળવી રહ્યાં છે.

રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળા સાથે સંકલન કરીને દૂધ, તેલ, મસાલા, મીઠું, મીઠાઈ વગેરેમાં થતી ભેળસેળ ચકાસવા માટે પ્રાથમિક પરીક્ષણ કીટ વિકસાવી છે. જેના દ્વારા ૨૧ પ્રકારના ભેળસેળના પરીક્ષણ સ્થળ પર જ કરી શકાય છે. રાજ્ય સરકારના આ નવીન પ્રયોગથી પ્રભાવિત થઇને FSSAI દ્વારા ૧૦૦ થી વધુ ટેસ્ટ કરી શકાય તેવું મેજીક બોક્સ બનાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: યાત્રીગણ કૃપયા ધ્યાન દે… પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન..
છેવાડાના વેપારીઓને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે તાલીમ મળી રહે અને તેઓ આ બાબતે જાગૃત બને તે માટે મોબાઈલ એક્ઝિબિશન વેન શરૂ કરવામાં આવી છે. આ પહેલને FSSAI એ બિરદાવી અને તેમાં જરૂરી સુધારા કરી વધુ સક્ષમ એવી ફૂડ સેફટી વેન બનાવીને સમગ્ર દેશમાં શરૂ કરી છે. રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમને કારણે જ આજે દેશમાં સૌથી વધુ ૨૨ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વેન કાર્યરત છે.

વર્ષ ૨૦૧૧ માં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અમલમાં આવ્યો પરંતુ તેની પહેલાના પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશનના કેસોનો નિકાલ કરવો જરૂરી હતું કેમ કે તેના નિકાલથી માનવીય સમય બચાવી શકાય અને રાજ્યના ન્યાયિક વ્યવસ્થા પરથી કેસોનો ભાર ઓછો કરી શકાય. તે માટે નવા કાયદા મુજબ જેટલા કેસો દંડને લાયક હોય તેને લોકઅદાલતમાં ચલાવવામાં આવ્યા અને દંડ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો. આ રીતે ૩,૮૦૦ થી પણ વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જેમાં આશરે રૂ. ૮ કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. રાજ્યની આ કામગીરીનું FSSAI એ અન્ય રાજ્યોને પણ અનુકરણ કરવા જણાવ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા રાજ્યમાં ખોરાકના આશરે ૨૦,૦૦૦ જેટલા નમૂના વિવિધ સ્થળેથી શંકાના આધારે સમયાન્તરે લેવામાં આવે છે અને તેને રાજ્યની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આપવામાં આવે છે. રાજ્યમાં વિવિધ વેપારી વર્ગને ખોરાકના કાયદા અને તેમાં આવતા બદલાવ બાબતે અદ્યતન માહિતી મળતી રહે તે માટે જિલ્લા કચેરીઓ દ્વારા સમયાંતરે મિટિંગનું આયોજન કરી FoSTaC ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. રાજ્યમાં ચકાસણી અર્થે લેવામાં આવતા નમૂનાઓમાં ફક્ત ૦.૩૪ ટકા નમૂનાઓ અનસેફ (સ્વાસ્થ્ય માટે હાનીકારક) જાહેર થાય છે. આ નમૂનાઓ સાથે સંલગ્ન વ્યક્તિઓ/એકમો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ગુજરાતે છેલ્લાં બે દાયકામાં આવી અનેક અસામાન્ય સિદ્ધીઓ હાંસલ કરી સર્વસમાવેશક વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. એટલે જ કહી શકાય કે, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે અને રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More