News Continuous Bureau | Mumbai
Australian Open : ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. 44 વર્ષીય રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
નંબર 1નું સ્થાન મેળવ્યું
ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહન અને એબ્ડેનની જોડીએ છઠ્ઠી ક્રમાંકિત આર્જેન્ટિનાની મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની જોડીને હરાવ્યા હતા. આ રીતે, રોહન બોપન્ના મેન્સ ડબલ્સ ટેનિસ ઈતિહાસમાં વર્લ્ડ નંબર 1 બનનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. 43 વર્ષની ઉંમરે બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, બોપન્નાના સૌથી સફળ ભાગીદારોમાંના એક મેથ્યુ એબ્ડેનનું મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત છે. મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
એબ્ડેને એક કલાક અને 46 મિનિટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત આર્જેન્ટિનાની મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની જોડી સામે 6-4, 7-6 (5)થી સરળ જીત નોંધાવી હતી.
હવે બોપન્ના અને એબ્ડેન સેમિફાઇનલમાં બિનક્રમાંકિત ટોમસ માચક અને ઝિઝેન ઝાંગ સામે ટકરાશે. ચેક રિપબ્લિક-ચીન જોડીએ ગયા અઠવાડિયે મેલબોર્નમાં બીજા રાઉન્ડમાં ત્રીજા ક્રમાંકિત અને યુએસ ઓપન ચેમ્પિયન રાજીવ રામ અને જો સેલિસબરીને હરાવ્યો હતો.
બોપન્નાએ રાજીવ રામનો રેકોર્ડ તોડ્યો
અગાઉ, અમેરિકાના રાજીવ રામ નંબર-1 પર પહોંચનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા હતા, જ્યારે તેમણે ઓક્ટોબર 2022માં 38 વર્ષની વયે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ રેન્કિંગ હાંસલ કર્યું હતું. બોપન્નાએ 2013માં પ્રથમ વખત વિશ્વ નંબર 3 નું સર્વોચ્ચ રેન્કિંગ હાંસલ કર્યું હતું. તે લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા પછી ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બનનાર ચોથો ભારતીય છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Gaza war: એક જ દિવસમાં ઇઝરાયેલના આટલા સૈનિકો માર્યા ગયા, હમાસે આ રીતે હુમલો કર્યો
બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં
બોપન્નાની નજર તેના પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પર છે, આજ સુધી તે આ કેટેગરીમાં ટાઈટલ જીતી શક્યો નથી. એબ્ડેન સાથે તેની ભાગીદારી શાનદાર રહી છે. બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. બોપન્નાએ 2008માં પ્રથમ વખત મેન્સ ડબલ્સમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે ક્યારેય ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યો ન હતો.
યુએસ ઓપન 2023ની ફાઇનલમાં પહોંચી
બોપન્ના એબ્ડેન સાથે યુએસ ઓપન 2023ની મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં તેનો પરાજય થયો હતો. વર્ષ 2010માં પણ બોપન્નાએ યુએસ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ તે ટાઇટલ જીતવાથી ચૂકી ગયો હતો.
બોપન્ના જીતી ચૂક્યા છે ફ્રેન્ચ ઓપન
રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સ હેઠળ 2017માં ફ્રેન્ચ ઓપન 2017 ડબલ્સ વિજેતા ખિતાબ જીત્યો છે. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10]થી હરાવ્યો. મેન્સ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપનમાં બોપન્નાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2022માં હતું, જ્યારે તેણે સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે 2013, 2015 અને 2023માં વિમ્બલ્ડનની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.