News Continuous Bureau | Mumbai
રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલા મહિલા વિશ્વ કપના રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટે હરાવીને ફરી એકવાર પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ભારતે પહેલા બેટિંગ કરીને પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાની 155 રનની વિશાળ ભાગીદારીના જોરે 48.5 ઓવરમાં 330 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં સાત વિકેટે 331 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી.
મહિલા વનડેનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ભારત સામે 331 રનના લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચ્યો છે. ટીમે મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાનો રેકોર્ડ 302 રનનો હતો, જે શ્રીલંકાની મહિલા ટીમે 2024 માં દક્ષિણ આફ્રિકા સામે હાંસલ કર્યો હતો. 6 બોલ બાકી હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ આ જીત મેળવી.
એલિસા હિલીની શાનદાર કપ્તાની ઇનિંગ્સ
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હિલીએ (Alyssa Healy) (142) શાનદાર સદી ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. હિલીએ માત્ર 35 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી, જે વર્તમાન વિશ્વ કપની સૌથી ઝડપી અર્ધસદી છે. ત્યારબાદ તેણે માત્ર 84 બોલમાં પોતાની છઠ્ઠી વનડે સદી પૂરી કરી. તે 107 બોલમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 142 રન બનાવીને પેવેલિયન પરત ફરી. તેની અને એશ્લે ગાર્ડનર (45) વચ્ચે ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. અંતમાં, ઈજાગ્રસ્ત એલિસ પેરીએ (47 અણનમ) પાછા ફરીને વિજયી ઇનિંગ્સ પૂરી કરી. ભારત તરફથી શ્રી ચરણીએ ત્રણ, જ્યારે અમનજોત કૌર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી.
આ સમાચાર પણ વાંચો: Mumbai: મુંબઈના આ વિસ્તાર માં ફાટી નીકળી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, ભયાનક વીડિયો આવ્યો સામે
મંધાના અને પ્રતિકાએ કરી મજબૂત શરૂઆત
સ્મૃતિ મંધાના (80) અને પ્રતિભા રાવલ (75) એ પ્રથમ વિકેટ માટે 155 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત આપી. મંધાનાએ 46 બોલમાં અર્ધસદી પૂરી કરી અને આ ઇનિંગ્સ દરમિયાન તે મહિલા વનડેમાં 5000 રન પૂરા કરનારી સૌથી ઝડપી અને સૌથી ઓછી વયની ખેલાડી બની. જોકે, મંધાના આઉટ થયા બાદ ભારતની રનની ગતિ ધીમી પડી હતી. અંતમાં રિચા ઘોષ (28) અને જેમિમાહ રોડ્રિગ્સ (33) એ પાંચમી વિકેટ માટે 54 રન જોડીને ભારતને 300ની પાર પહોંચાડ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી પેસર એનાબેલ સધરલેન્ડે પાંચ વિકેટ ઝડપી હતી.
પોઇન્ટ્સ ટેબલમાં સ્થિતિ
ચાર મેચોમાં ત્રણ જીત સાથે સાત પોઈન્ટ મેળવીને ઓસ્ટ્રેલિયન ટીમ મહિલા વિશ્વ કપની પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ભારત સતત બે મેચમાં હાર સાથે ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.