ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો પંજાબ પોલીસે ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે. આ અંગે પંજાબ સરકારે કહ્યું છે કે આ કેસમાં 11 વધુ આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, ‘પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.’
ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટે સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. પોતાના સંબંધીઓની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો હતો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ રૈનાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટેગ કરીને લખ્યું હતું કે, અમને ખબર નથી કે તે રાત્રે શું થયું હતું અને કોણે આ કૃત્ય કર્યું. હું પંજાબ પોલીસને આ મામલા પર ધ્યાન આપવા આગ્રહ કરું છું. અમે કમસે કમ એ જાણવા માટે હકદાર છીએ કે તેમની સાથે આ આવું કૃત્ય કોણે કર્યું. આ અપરાધીઓને વધુ અપરાધ કરવા માટે છોડવા ન જોઈએ.