ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
રાજસ્થાનની ભાવના રેસ વોકિંગમાં 1 કલાક 29 મિનિટ 54 સેકન્ડનો સમય લઈ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી ચુકી છે. આજે આ નવા ઉભરતા સિતારાની વાત કરવી છે . તે રોજ સવારના 3 વાગ્યે ઉઠી જાય છે. રાજસ્થાનના કાબરા ગામમાં બૂટની દોરી બાંધી, પોતાના માટીના ઘરની પાસે ધૂળવાળી સડક પર દોડવાનું શરૂ કરે છે ત્યારે તેને જોનારા, ચોંકી જાય છે કે આ છોકરી મળસ્કે કેમ દોડી રહી છે.
ભારતીય રેસ વોકર ભાવના જાટના પ્રારંભિક દિવસોની આ વાત છે. જેના સપનાંની ઊડાન રાત્રે જ શરૂ થતી હતી. દિવસે ગામના લોકોની વાતો સાંભળવાથી બચવા તેણે પોતાની કુશળતાને રાત્રે પાંખો આપવાનું શરૂ કર્યું હતું, કેમ કે ગામવાળા તેને રમત છોડીને ઘરનું કામ કરવાની સલાહ આપતા હતા.
આજે આ યુવાન છોકરીએ રેશ વોકિંગમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો અને સાથે જ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું છે. 24 વર્ષની ભાવનાએ 1 કલાક 29 મિનિટ 54 સેકન્ડમાં રેસ પુરી કરી છે. તેની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે, કેમ કે તેણે આ અગાઉ ક્યારેય કોઈ પણ નેશનલ-ઈન્ટરનેશનલ રેસમાં ભાગ લીધો નથી.
જેની પાછળ તેની આર્થિક સ્થિતી જવાબદાર રહી છે. તે કહે છે, ‘એક સમય એવો પણ હતો જ્યારે અમને બે ટંકનું ભોજન પણ માંડ મળતું હતું. અમે માટીના ઘરમાં રહેતા હતા. આથી ઓલિમ્પિક માટે પસંદ થવું મોટી વાત છે. પરંતુ પિતા અને ભાઈએ મારામાં વિશ્વાસ મુક્યો હતો.’
ભાવનાએ 2009માં રેસ વોકિંગ શરૂ કર્યું હતું. સ્કૂલના ફિઝિકલ ટ્રેનરે તેના અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને આ રમતમાં આગળ વધવા પ્રેરિત કરી. રેસ વોકિંગને આગળ વધારવા માટે રૂ. 2 લાખની લોન લીધી. તે જ્યારે સબ-જુનિયર રમતી હતી ત્યારે તેના પિતાની માસિક આવક રૂ.2 હજાર હતી. તેને સાથીદારો પાસેથી બૂટ ઉધાર લઈને ટૂર્નામેન્ટમાં ભાગ લેવો પડતો હતો. આમ એક સમયે ઉધારના બુટ લઈને મેદાનમાં ઉતરેલી ભાવના આજે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહી છે.
