ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આજે મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે રાજ્યમાં ચાલતા વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે રાજ ઠાકરેએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. તેનો ઉલ્લેખ તેમણે આ પત્રકાર પરિષદમાં કર્યો હતો. એ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી પાસે અમુક માંગણી પણ કરી હતી. એમાં મુખ્યત્વે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પાસ કરવા, નાના વેપારીઓને અઠવાડિયામાં 2 કે 3 દિવસ દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવાની વાત કરી હતી. ખેલાડીઓને કસરત કરવા માટે જીમ અને સ્વિમિંગ પુલની સગવડ આપવાનું કહ્યું હતું. આ સિવાય બેન્ક તરફથી જબરજસ્તી જે વસૂલી થાય છે તેના પર રોક લગાડવાનું પણ કહ્યું હતું.
રાજ ઠાકરે એ વધુમાં જણાવ્યું કે, જે કામદાર લોકડાઉન વખતે પોતાના ઘરે ગયા હતા એ પરત ફરે ત્યારે તેમની નોંધણી કરવી અને કોરોના ટેસ્ટ કરાવવાનું સૂચન મેં મુખ્યમંત્રી ને કર્યું હતું, પરંતુ સરકારે મારું સાંભળ્યું નહીં અને જુઓ કોરોના ફેલાઈ ગયો.
મહારાષ્ટ્રમાં જ કોરોનાગ્રસ્તોની સંખ્યા વધારે કેમ? તેનો જવાબ પણ રાજ ઠાકરેએ આપ્યો હતો. તેમના મતે મહારાષ્ટ્રએ ઔધોગિક રાજ્ય છે. બીજા વિવિધ રાજ્યોના લોકો અહીં વધારે આવે છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. જ્યારે દિલ્હીમાં ખેડૂતોએ મોરચો માંડ્યો છે, પણ ત્યાં કોરોના નથી એનું કારણ એ છે કે ત્યાં કોરોના દર્દીની નોંધણી થતી નથી. એટલે ત્યાં સાચા આંકડા બહાર આવતા નથી. જો ત્યાં પણ ગણતરી શરૂ થાય તો મહારાષ્ટ્ર જેટલા જ આંકડો બહાર આવશે.
આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પણ પોતાના આકરા શબ્દો દ્વારા પ્રહાર કર્યા હતા.