ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
બીજા રાજકીય પક્ષોની માફક હવે શિવસેનામાં આંતરવિગ્રહ તેની ચરસીમાએ પહોંચી ગયો હોવાનું કહેવાય છે. પક્ષના બે અગ્રણી નેતાઓ વચ્ચેનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. શિવસેનાના નેતા અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ વિરુદ્ધ વાયરલ થયેલી ઓડિયો ક્લીપને કારણે શિવસેનાના નેતા રામદાસ કદમ સહિત તેમના સમર્થકોને સાઈડલાઈન કરી દેવાયા છે. તેને કારણે રામદાસ કદમ ભડકી ગયા છે. પક્ષના આ પગલાં બાદ તેમણે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો.
રામદાસ કદમે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે કે અનિલ પરબ એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
રામદાસ કદમની પક્ષમાં સતત અવગણના થઈ રહી છે. તેથી તેઓ પક્ષ સાથે છેડો ફાડવાની અફવાએ જોર પકડયું છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેઓ મર્યા સુધી પક્ષનો સાથ છોડશે નહીં પણ છોકરાઓ તેમનો નિર્ણય લેવા આઝાદ છે. પક્ષમાંથી હકાલપટ્ટી થઈ તો પણ શિવસૈનિક તરીકે જીવીશ એવો દાવો પણ તેમણે કર્યો હતો.