ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના વધતા સંક્રમણને લીધે બેડ્સ, વેન્ટિલેટર, રસી અને ઑક્સિજનના પુરવઠાની અછત સર્જાઈ છે. તેવામાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા સચિન સાવંતે એવું નિવેદન આપ્યું છે કે પીએમ કેર્સ ફંડમાંથી મહારાષ્ટ્રને મળેલાં વેન્ટિલેટરની રાજ્ય સ્તરે તપાસ થવી જોઈએ.
મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધરી : કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંક પણ ઘટ્યો, જાણો લેટેસ્ટ અપડેટ
હકીકતે ઔરંગાબાદની સરકારી મેડિકલ કૉલેજ દ્વારા નિયુક્ત કરાયેલી તબીબી નિષ્ણાતોની સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવેલાં વેન્ટિલેટર સંપૂર્ણપણે નકામાં છે. કંપનીના ટેક્નિશિયન પણ આ વેન્ટિલેટરને રિપેર કરી શક્યાં નહોતાં. આ રિપૉર્ટને ટ્વીટ કરી સચિન સાવંતે લખ્યું હતું કે “આ એક કૌભાંડ છે. અમે મહારાષ્ટ્રને કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવેલાં તમામ વેન્ટિલેટરની રાજ્ય સ્તરે તપાસ કરવાની માગણી કરીએ છીએ. સમય અને જનતાનાં નાણાં પીએમ કેર્સ ફંડ દ્વારા વેડફી શકાય નહિ.” તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકાર સવાલો ટાળતી રહી. હવે આ રિપૉર્ટ પછી લોકોને ખબર હોવી જ જોઈએ કે આવી નકામી અને અસ્થિર કંપનીઓને આ કરાર કેવી રીતે અને કેમ મળ્યો? આવી મોટી કટોકટીમાં કૌભાંડ દ્વારા નફો મેળવવાનો વિચાર કરવો પણ અમાનવીય છે. આની સખત નિંદા કરવી જોઈએ.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યા; શું વાત થઈ? એ બહાર નથી આવ્યું
ઉલ્લેખનીય છે કે નાસિકમાં પણ પીએમ કેર્સ ફંડ દ્વારા ફાળવવામાં આવેલાં વેન્ટિલેટર ખરાબ નીકળ્યાં હતાં. દેશમાં અનેક જગ્યાએથી આવી ફરિયાદો મળી છે. ઘણી હૉસ્પિટલોમાં વેન્ટિલેટર હોવા છતાં ટેક્નિશિયનની અછતને કારણે તે જેમનાં તેમ પડ્યાં છે અને ઉપયોગમાં લેવાયાં નથી.