News Continuous Bureau | Mumbai
Gujarat NEET : આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ ( Tribal Development Department ) દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ( Gujarat ) આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક ૨૬ ઈ.એમ.આર.એસ, ૯ જી.એલ.આર.એસ તેમજ ૯ મોડેલ એમ કુલ ૪૪ શાળાઓ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.
પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાંથી ડૉકટરની પદવી માટે ધોરણ ૧૨ સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩માં ૮૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૧,૦૧૫ આદિજાતિ વિદ્યાર્થીઓએ ( Tribal students ) NEETની પરીક્ષા ( NEET Exam ) આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે ૩૬૪ તથા ૪૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા આપવામાં આવતા નિ:શૂલ્ક કોચિંગ તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓની સખત મહેનતના પરિણામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં EMRS ખોડદા-તાપીની વિદ્યાર્થિનીને પ્રતિષ્ઠિત IIT-જોધપુરમાં સિવિલ ઇજનેર શાખામાં જયારે વર્ષ ૨૦૨૨માં EMRS પારડીના વિધાર્થીને IIT-ગાંધીનગરમાં મટેરિયલ સાયન્સમાં પ્રવેશ મળ્યો છે. આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩માં આદિજાતિના ૨૬ વિધાર્થીઓએ MBBSમાં, ૯૪ વિદ્યાર્થીઓએ BE/B.Tech તથા ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓએ અન્ય પેરા મેડીકલક-અન્ય પ્રોફેશનલ કોર્ષમાં, એમ કુલ ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે જે રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાનરૂપ છે.
આ સમાચાર પણ વાંચો : Governors Conference: પ્રધાનમંત્રી રાજ્યપાલોના સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા
જયારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજોમાંથી ઈજનેરની પદવી માટે રાષ્ટ્રીય કક્ષાએ JEE Mains-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવે છે. ગત વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાંથી ૧૧૬ અને વર્ષ ૨૦૨૪માં ૧૩૬ આદિજાતિ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી, જેમાંથી અનુક્રમે ૭૭ અને ૮૨ વિધાર્થીઓ JEE Mains માં ઉત્તીર્ણ થયા છે.
આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ લાવી દરેક ક્ષેત્રે તેઓ સ્પર્ધા કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી( GSTES ) ની સ્થાપના કરવામાં આવી છે. આદિજાતિના વિદ્યાર્થીઓ રાજ્યના સામાજિક
તેમજ આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવે તથા તેના લાભો દરેક નાગરીકો સુધી પહોંચાડી સાક્ષરતા દર ઉંચો લાવવાના હેતુથી આ સોસાયટીની સ્થાપના કરાઈ છે.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ૧૦૫ શાળાઓ પૈકી ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ૧૨ મોડેલ શાળાઓ તથા ૦૨ સૈનિક શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.